કેરળમાં ડાબેરી પક્ષોનો મોરચો હવે ત્રીજી ટર્મની સત્તા નહીં
મેળવે એવો કોંગ્રેસને વિશ્વાસ છે. સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં લોકોએ ડાબેરી પક્ષોને
જબરદસ્ત જાકારો આપ્યો હોવાથી આગામી એપ્રિલમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસી મોરચાને
બહુમતી મળવાની આશા છે. કોંગ્રેસ અને રાહુલ ગાંધી માટે રાહત અને આનંદનો અવસર છે, પણ થિરુવનંતપુરની સુધરાઈમાં ભાજપનો જય જયકાર
થયો, ભગવો ફરક્યો હોવાથી કોંગ્રેસી નેતાઓના હરખમાં આંચકો લાગ્યો
છે. દક્ષિણ ભારતમાં ભાજપનો વ્યાપ હવે કેરળ ઉપરાંત તામિલનાડુમાં પણ આશા આપે છે. કેરળના
પાટનગરમાં માર્ક્સવાદીઓની ત્રણ દાયકાની પકડ તોડવાનો યશ ભાજપને મળે છે, રાજ્યના મુખ્ય વિપક્ષ - કોંગ્રેસી મોરચાને રંજ છે કે તેના આનંદમાં ભંગ પડયો
છે. થિરુવનંતપુરમના 100 વોર્ડમાંથી
50માં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે, જ્યારે કોંગ્રેસની બેઠક સંખ્યા 10થી વધીને 19 થઈ છે. ડાબેરી મોરચાને 29 બેઠક મળી છે અને બે અપક્ષ ઉમેદવાર
ચૂંટાયા છે. ભાજપને મેયર પદ મળતાં વિશેષ આનંદ છે. વડાપ્રધાન મોદીએ કેરળના પરિણામને
વધાવીને મતદારોનો અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો છે. વિકાસ અને જનજીવનના ઉત્કર્ષનું
વચન આપ્યું છે. ભાજપે છેલ્લાં 10 વર્ષમાં 35 બેઠક જાળવી હતી હવે 50 થઈ છે. વિધાનસભાની ચૂંટણીમાં
હવે ત્રિપક્ષી મુકાબલો હશે. થિરુવનંતપુરમની લોકસભા બેઠક ઉપર ચૂંટાયેલા શશી થરૂરે કહ્યું
છે કે, એમણે કોંગ્રેસનો પ્રચાર કર્યો પણ લોકોએ ભાજપને
સમર્થન આપ્યું છે તે સ્વીકારીને વિજયોત્સવમાં તેઓ સામેલ થયા છે. વિધાનસભાની ચૂંટણીમાં
શશી થરૂર ભાજપ સાથે રહેશે એવી ચર્ચા રાજકીય વર્તુળોમાં શરૂ પણ થઈ છે. તેઓ ભાજપ અને
વડાપ્રધાન મોદીના પ્રશંસક હોવાથી કોંગ્રેસ હાઈ કમાન્ડ નારાજ હોવા છતાં સંયમ જાળવીને
પ્રત્યાઘાત આપ્યા છે. જયરામ રમેશે કહ્યું છે કે, કોંગ્રેસ લોકતાંત્રિક
પક્ષ છે અને ચૂંટણી પહેલાં અને પછી પણ વાણીસ્વાતંત્ર્ય સ્વીકારે છે. ડાબેરી મોરચાના
વળતાં પાણી માટે મુખ્ય કારણ - લોકોએ પરિવર્તન માટે વોટ આપ્યા ઉપરાંત ભ્રષ્ટાચાર છે.
શબરીમાલા મંદિરના ભંડારમાંથી સોનાની લૂંટ થઈ તેમાં ડાબેરી પક્ષના સિનિયર નેતા પકડાયા
છે. મુસ્લિમ અને ખ્રિસ્તી મતદારોનું સમર્થન ડાબેરી મોરચાએ ગુમાવ્યું છે. મુખ્ય પ્રધાન
પિનારાઈ વિજયન કહે છે કે, સેક્યુલરવાદમાં માનતા લોકો માટે આ પરિણામ
આઘાત અને ચિંતાકારક છે! વાસ્તવમાં ડાબેરી અને કોંગ્રેસ - બંને મોરચાના નેતાઓએ જમાત-એ-ઇસ્લામીને
ખુશ રાખીને ટેકો મેળવવાના પ્રયાસ કર્યા છે. ઇન્દિરા ગાંધીએ દાયકાઓ પહેલાં કેરળ મુસ્લિમ
લીગ સાથે ભાગીદારી કરી હતી અને બચાવ કર્યો હતો - કેરળના મુસ્લિમો ઉત્તર ભારતના મુસ્લિમોથી
જુદા છે - એમ કહીને!