નાસિકમાં ગોદાવરીના કાંઠે સિંહસ્થ કુંભમેળાનાં આયોજનની તૈયારી
થઈ રહી છે. શ્રદ્ધાળુઓના ધસારામાં કાયદો - વ્યવસ્થા ઉપરાંત જીવનજરૂરિયાતની સવલતો વગેરેમાં
અછત સર્જાય નહીં તેની પણ વ્યવસ્થાનું આયોજન તંત્ર દ્વારા થઈ રહ્યું છે. આ સાથે એક નવો
પ્રયોગ - કર્મકાંડ - પૂજા અર્ચના કરાવનાર બ્રાહ્મણોની અછત રહે નહીં તે માટે રાજ્ય સરકાર
દ્વારા શોર્ટ ટર્મ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના કૌશલ્ય તાલીમ
અને વિકાસ, રોજગારી નિર્માણ અંગેના
પ્રધાન મંગલપ્રભાત લોઢા દ્વારા આ પહેલ કરવામાં આવી છે. રામટેક ખાતેની કવિ કુલગુરુ કાલીદાસ
યુનિવર્સિટીમાં આ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. નાસિકમાં સ્વામી અખંડ આનંદની વેદવેદાંગ
સંસ્કૃત કોલેજમાં 45 દિવસના અભ્યાસક્રમની
શરૂઆત થઈ છે તેમાં 21 દિવસની કાર્યશાળા
પણ છે. સિંહસ્થ કુંભમેળો 26 ઓક્ટોબર, 2026થી શરૂ થશે
અને 2027 સુધી ચાલશે. શ્રદ્ધાળુઓ દેશ-વિદેશથી
કુંભમેળામાં પવિત્ર સ્નાન અને પૂજાવિધિ કરાવવા આવે ત્યારે શાત્રોક્ત વિધિ, શુદ્ધ મંત્રોચ્ચાર સાથે કરી શકાશે. આ માટે વિદ્યાર્થીઓને
વૈદિક અને પૌરાણિક વિધિથી પૂજાની તાલીમ અપાશે. મંત્રોચ્ચારમાં ઉચ્ચાર શુદ્ધ થાય તેના
ઉપર વિશેષ ધ્યાન અપાશે. વિદ્યાર્થીઓની મૌખિક પરીક્ષા દર અઠવાડિયે લેવામાં આવશે. સ્નાન
- પૂજા - પાઠ અને અર્ચના શાત્રોક્ત વિધિથી કરાવીને શ્રદ્ધાળુઓને સંતોષ થશે. આ આયોજન
બદલ મંગલપ્રભાતજીને અભિનંદન આપવા ઘટે. કુંભમેળામાં સ્નાન - પૂજા-અર્ચના માત્ર રૂઢિગત
- મન મનાવવા માટે થાય છે ત્યારે શાત્રોક્ત વિધિની વ્યવસ્થા મંગલપ્રભાતજીએ કરી છે. વિપક્ષો
ટીકા કરીને વિવાદ સર્જે તેવી શક્યતા છે, પણ હિન્દુ-સનાતન ધર્મ
અંતર્ગત આ વ્યવસ્થા સર્વથા સ્વાગત યોગ્ય છે.