• રવિવાર, 21 ડિસેમ્બર, 2025

ભુજમાં પાંચ દિવસે પાણી વિતરણ શરૂ થયું, પણ પાટે ન ચડયું

ભુજ તા 20 : જિલ્લા મથકે ભરશિયાળે પાણીની તંગી સર્જાતાં લોકોની હાલાકીમાં વધારો થયો છે. નર્મદાની લાઈનમાં વારંવાર પડતાં ભંગાણની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ટપ્પર ડેમથી કુકમા સુધીની લાઈનના પાઈપ બદલવામાં આવતાં શહેરમાં પાંચ દિવસ પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી. આજથી પાણી વિતરણ શરૂ તો થયું, પણ સ્થિતિ પૂર્ણ રીતે થાળે પડતાં હજુ બે દિવસનો સમય લાગશે ભુજ ઉપરાંત બન્ની -ખાવડા વિસ્તારને ટપ્પરથી કુકમા સુધીની પાણીની લાઈનમાં અવારનવાર પડતાં ભંગાણનાં કારણે પર્યાપ્ત પાણીનો જથ્થો પહોંચતો નહોતો. આ સમસ્યાના કાયમી  ઉકેલ માટે મંગળવારથી સમારકામ હાથ ધરી 10 મીટર  પાણીની લાઈન બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્ય બે દિવસમાં પૂરું તો કરાયું, પણ ભુજના તમામ ટાંકા તળિયાંઝાટક થતાં તેને ફરી ભરવામાં સમય લાગી ગયો હતો. ભુજ સુધરાઈની પાણી પુરવઠા સમિતિના ચેરમેન સંજય ઠક્કરને પુછતાં તેમણે કહ્યું કે, લાઈન બદલવાનાં કાર્યનાં કારણે મંગળવારથી બંધ થયેલું પાણી શુક્રવાર બપોર બાદ શરૂ થયું અને રાત સુધીમાં તબક્કાવાર ટાંકા ભરવાનું શરૂ કરાયું હતું. આજે શહેરના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ શરૂ કરાયું હતું, પણ શનિવારના વીજકાપનાં કારણે ખાસ કરીને રાવલવાડી પાણીનો ટાંકો ન ભરી શકાતાં કોટ અંદરના વિસ્તાર અને કેટલીક સોસાયટીમાં પાણી વિરતણ થઈ શક્યું નથી. બે દિવસમાં સ્થિતિ પૂર્ણ રૂપે થાળે પડી જશે તેવું કહ્યું હતું.

સમસ્યાના કાયમી ઉકેલને પ્રાથમિકતા અપાઈ

ધારાસભ્ય કેશુભાઈ પટેલનો સંપર્ક સાધતા તેમણે કહ્યું કે, ભુજ ઉપરાંત બન્ની-ખાવડા વિસ્તારની પાણી સમસ્યા ઉકેલવાને પ્રાથમિકતા આપી આ કામ હાથ ધરાયું હતું. કલેક્ટર ડીડીઓની ઉપસ્થિતિમાં પાણી પુરવઠાના અધિકારીઓની બેઠક યોજી લાઈન તત્કાળ બદલવા સૂચના અપાઈ હતી. વધુમાં આ કામ શિયાળામાંજ હાથ ધરી ઉનાળાના સંભવિત જળસંકટને ટાળવાનું આયોજન કરાયુંનું તેમણે માહિતી આપતાં કહ્યું હતું.

Panchang

dd