ભુજ, તા. 20 : કચ્છમાં
શિયાળાનું સમયચક્ર ખોરવાતાં વાતાવરણીય વિષમતા લોકોને અકળાવી રહી છે. ઠંડીના
ધોરીમાસ પોષના આરંભે કડકડતી ઠંડીના બદલે ગરમીની અનુભૂતિએ હવામાન શાત્રીઓને માથું
ખંજવાળતી સ્થિતિમાં મૂકી દીધા છે. મહત્તમ અને લઘુતમ પારો ઊંચકાતાં ઠંડી સાવ ગાયબ
થઈ જવા સાથે બપોરના સમયે ઉનાળા જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ભુજમાં મહત્તમ પારો
35.4 ડિગ્રીએ પહોંચતાં રાજકોટ બાદ તે રાજ્યનું બીજા નંબરનું ગરમ
મથક બન્યું હતું. લઘુતમ તાપમાન 17.9 ડિગ્રી નોંધાયો હતો. વીતેલા
દાયકામાં ડિસેમ્બરમાં આ ત્રીજું સૌથી ઊંચું મહત્તમ તાપમાન નોંધાયું છે. નલિયામાં 34 ડિગ્રી
મહત્તમ સાથે 14 ડિગ્રી લઘુતમ,
કંડલા પોર્ટમાં 33.2 ડિગ્રી મહત્તમ સામે 16.5 ડિગ્રી
લઘુતમ અને અંજાર-ગાંધીધામમાં 33 ડિગ્રી મહત્તમ સામે 14.4 ડિગ્રી
લઘુતમ તાપમાન નોંધાયું છે. બે દિવસ બાદ લઘુતમ પારે બેથી ત્રણ ડિગ્રી ગગડે તેવી
હવામાન વિભાગે આગાહી કરી છે.