ઢાકા, તા. 20 : યુવા
નેતા ઉસ્માન હાદીનાં મોત બાદ ફાટી નીકળેલી હિંસાની આગમાં આખું બાંગલાદેશ સળગી
રહ્યું હોવાની તંગદિલીભરી સ્થિતિ વચ્ચે હિન્દુ યુવકની હત્યા બાદ શુક્રવારની મોડી
રાત્રે ઉપદ્રવી તત્ત્વોએ એક સાત વર્ષની બાળકીને જીવતી સળગાવી દીધી હતી. દરમ્યાન
હિન્દુ યુવકની હત્યાના મામલામાં ચોમેરથી પ્રહારો વચ્ચે નમી પડેલી મોહમ્મદ યુનુસ
સરકારે શનિવારે સાત શખ્સની ધરપકડ કરી હતી. દરમ્યાન, ઢાકા યુનિવર્સિટીના સંકુલમાં છાત્ર નેતા
શરીફ ઉસ્માન હાદીની અંતિમવિધિ થઈ હતી. બાંગલાદેશના લક્ષ્મીપુરમાં ગઈકાલે
શુક્રવારની મોડી રાત્રે હિંસક બનેલા પ્રદર્શનકારીઓએ એક ઘરને બહારથી બંધ કરીને
પેટ્રોલથી આગ લગાડી હતી. આગમાં જીવતી સળગી ગયેલી સાત વર્ષની બાળકીએ જીવ ખોયો હતો,
તો અન્ય ત્રણ ગંભીર હદે ઘાયલ થયા હતા. એ ઘર બાંગલાદેશ નેશનલ
પાર્ટીના નેતા બિલાલ હુશેનનું છે. નેતાની પુત્રી આયશા અખ્તર જીવતી સળગી જતાં દમ
તોડયો હતો. બિલાલ હુશેન અને તેમની અન્ય બે પુત્રી ગંભીર હદે સળગી જતાં સારવાર માટે
ઢાકા મોકલાયા હતા. 16 વર્ષીય સલમા અને 14 વર્ષની
સામિયા અખ્તર 50થી 60 ટકા સળગી ગઈ હોવાનું હોસ્પિટલના
આરએમઓ ડો. અરૂણ પાલે જણાવ્યું હતું. આગ લાગી ત્યારે ત્રણેય બાળકી મોડી રાત હોવાથી
ગાઢ નીંદરમાં હતી. બીજીતરફ બાંગલાદેશના મેમનસિંહ જિલ્લામાં એક હિન્દુ યુવકની
મારપીટ કરી નિર્મમ હત્યાથી આક્રોશ વચ્ચે એક્શન મોડમાં આવી ગયેલી મોહમ્મદ યુનુસ
સરકારે શનિવારે સાત જણની ધરપકડ કરી હતી. યુનુસે જ આ અંગે જાણકારી આપતાં જણાવ્યું
હતું કે, રેપિડ
એક્શન બટાલિયને 27 વર્ષીય દીપુચન્દ્ર દાસની હત્યાના
મામલામાં સાત શખ્સને પકડી પાડયા છે. રખેવાળ સરકારના વડાએ કહ્યું હતું કે, આ કાર્યવાહી રેપિડ એક્શન
બટાલિયને અલગ-અલગ સ્થળે તલાશી અભિયાન છેડીને કરી છે. ચોમેરથી ટીકાઓ, પ્રહારો બાદ આખરે આ મામલે મોહમ્મદ યુનુસ ઝૂક્યા હતા. યુવા નેતા શરીફ
ઉસ્માન હાદીનાં મોત બાદ ભડકેલી હિંસા વચ્ચે યુવકને મારપીટ કરીને હત્યા કરાઇ હતી.
યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યાની ટીકા કરી હતી, `નવાં
બાંગલાદેશ'માં
આવી હિંસા માટે કોઇ જગ્યા નથી, તેવું સરકારે કહ્યું હતું. આ
અપરાધના દોષીઓને કાયદો સજા આપશે તેવી ખાતરી આપતાં યુનુસ પ્રશાસને લોકોને શાંતિ
જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી.