ગાંધીધામ, તા. 20 : અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ
ભાજપ નેતા જયંતી ભાનુશાલી હત્યા કેસમાં શાર્પ શૂટર વિશાલ કાંબલેની પૂણેની જેલમાં હત્યા
નીપજાવાઈ હોવાના બનાવથી ચકચાર પ્રસરી છે. હત્યામાં મોટું કાવતરું હોવાની શંકા પેદા
થઇ છે. આ અંગે મળતી વિગતો મુજબ યરવડા જેલમાં બે કેદીએ ઝઘડાના અનુસંધાને કરેલા હુમલામાં
વિશાલ નાગનાથ કાંબલેને ગંભીર ઈજા પહોંચી હતી. બે દિવસની સારવાર દરમ્યાન તેનું મોત નીપજતાં જીવલેણ હુમલાનો બનાવ હત્યામાં પલટાયો હતો. મળતી
વિગત અનુસાર જેલની બેરેકમાં બોલાચાલી બાદ 15મી
ડિસેમ્બરે સવારે 7.45 વાગ્યાના અરસામાં
આકાશ સતીશ ચંદાલિયા અને દીપક સંજય રેડ્ડી નામના બે કેદીએ બેરેકમાં જમીન પર સૂતેલા વિશાલ
પર ટાઈલ્સના ટુકડાથી હુમલો કરી તેને લોહીલુહાણ
કર્યો હતો. વિશાલ સાથે મારપીટ પણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જેલગાર્ડ ધસી આવ્યા
હતા અને આરોપીઓને રોક્યા હતા. ઘાયલ વિશાલને તુરંત જ હોસ્પિટલ લઈ જવાયો હતો. યરવડા પોલીસ
સ્ટેશનના વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટર અંજુમન બાગવાને જણાવ્યું હતું કે, શુક્રવારે બપોરે સારવાર દરમ્યાન વિશાલનું મૃત્યુ થતાં આરોપીઓ સામે હત્યાનો
ગુનો દર્જ કરવામાં આવ્યો હતો. ત્રણે કેદીને યરવડા જેલના સી.જે. સેક્શનના બેરેક નં.
1માં રાખવામાં આવ્યા હતા. ત્રણે
વચ્ચે જેલમાં જ કોઈ બાબતે બોલાચાલી થઈ હતી, જે પછી આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો
હતો. કચ્છના ચકચારી હત્યા કેસના મુખ્ય આરોપીની
હત્યા નીપજાવાતાં આ કેસમાં નવો વળાંક આવ્યો છે. કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર
જગાવનારા જયંતી ભાનુશાલી હત્યા કેસમાં મૃતક વિશાલ કાંબલે ટ્રેનમાં હત્યા નીપજાવનારા
ત્રણ પૈકી એક હતો. આ કેસમાં પણ વિશાલની ધરપકડ થયા બાદ તેને જામીન મળી ગયા હતા અને પૂણેની
યરવડા જેલમાં અન્ય કોઈ ગુનામાં કેદ હતો, જ્યાં તેની હત્યા નીપજાવાઈ
હતી. ભાજપ નેતાની હત્યાના કેસમાં તમામ આરોપીઓ હાલ જામીન ઉપર છે. બીજીબાજુ સૂત્રોએ જણાવ્યું
હતું કે, જયંતી ભાનુશાલી હત્યા કેસમાં નવો વળાંક આવી શકે છે અને
એકાદ-બે દિવસમાં નવા-જૂનીની શક્યતા છે.