ભુજ, તા. 20 : કલેક્ટર
આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સંકલન સહ
ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યો અને સામાજિક
ન્યાય સમિતિના ચેરમેન દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રજાહિતના પ્રશ્નોનું ઝડપથી
નિરાકરણ લાવવા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. સંકલન સહ ફરિયાદ
સમિતિની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ
જનકાસિંહ જાડેજાએ રાપર તાલુકાનાં આડેસર ગામની સિંચાઇ માટેની માઇનોર કેનાલમાં પાણી
શરૂ કરવા, શિકારપુર સબસ્ટેશન હેઠળ વિસ્તારમાં લો-વોલ્ટેજ
સમસ્યા સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી. જ્યારે અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ
જાડેજાએ વીજપુરવઠો, ખનિજ ઉત્ખનન, રેશનકાર્ડ,
મકાન સહાય, નખત્રાણા તાલુકામાં દબાણ, જમીન માપણીના પ્રશ્નો, જરૂરિયાતના વિસ્તારમાં સબ
ડિવિઝન આપવા, વોટરશેડ, અબડાસા તાલુકાની
કંપનીઓમાં રોજગારીનો પ્રશ્ન, કેનાલ રિપેરિંગ, નેશનલ હાઈવ-સ્ટેટ હાઈવે અને જીએસઆરડી દ્વારા રોડ રસ્તાનું સમારકામ,
દયાપર સરકારી કોલેજનો પ્રશ્ન, નખત્રાણામાં
ટાઉનહોલ માટે જમીન ફાળવણી, જાબરી અને તલ-લૈયારી તથા
છારી-ફુલાય ડેમનું કાર્ય, જૂના હક્કપત્રો, નખત્રાણા બાયપાસ, કાયદો અને વ્યવસ્થા, આરટીઓ અને પોલીસ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ અને દંડની વસૂલાત, એસ.ટી. બસ, ગૌચર જમીન, ઐતિહાસિક
વારસો ધરાવતાં સ્થળોની જાળવણી, નર્મદાની લાઇનમાં ભંગાણ કરી
કરાતી પાણીચોરી, માતાના મઢ ખાતે પાર્કિંગની જગ્યામાં ભરાતાં
પાણી, પેયજળ શુદ્ધતા વગેરે પ્રશ્નોની રજૂઆત કરી હતી. સામાજિક
ન્યાય સમિતિના ચેરમેન પુરુષોત્તમ મારવાડાએ અબડાસા તાલુકાના મિયાણી ગામની પાણી
સમસ્યા, બિટ્ટાથી કોટડા જડોદર રોડનું કામ પૂર્ણ કરવા,
સુજાઇ ડેમનું પેચિંગ કામ, કોઠારા અને રાતા
તળાવ પાસે ડાયવર્જન સુધારવા, કાપડીસર ડેમના દરવાજાનું
સમારકામ તથા હાલાપરમાં સિંચાઇ કેનાલની મરંમત કરવા વગેરે પ્રશ્નોની રજૂઆત કરી હતી.
કલેક્ટર આનંદ પટેલે પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અંગે અધિકારીઓ
પાસેથી વિગતો મેળવીને તાત્કાલિક અસરથી પ્રશ્નોનું નિવારણ લાવવા સૂચના આપીને
માર્ગદર્શન પૂરું પાડયું હતું. દબાણ,
પાણીચોરી સહિતના પ્રશ્નો મુદ્દે અધિકારીઓને નાગરિકોને કોઈ જ
મુશ્કેલી ન પડે તે ઉદેશ્ય સાથે ઝડપથી નિરાકરણ લાવવા અધિકારીઓને સૂચના આપી હતી.
મુંદરા એએસપી ગૌતમ વિવેકાંનદન, નિવાસી અધિક કલેક્ટર ડી. પી.
ચૌહાણ, નાયબ વન સંરક્ષક આયુષ વર્મા, જિલ્લા
ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ
અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.