ભુજ, તા. 20 : બે
માસ પૂર્વે ખાવડાના આર.ઈ. પાર્કમાં એક કંપનીમાં બળજબરીથી ક્રેપ લઈ જઈ ધાકધમકી કરનારા આરોપી મોટા ખાવડાના
ઈશાક નૂરમામદ સમાની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે આજે એલસીબીના ઈન્ચાર્જ પી.આઈ.
એચ.આર. જેઠીએ પત્રકારોને વિગતો આપતાં જણાવ્યું હતું કે, ઓક્ટોબર માસમાં આર.ઈ. પાર્કમાં ક્રેપ (લાકડાં)નો જથ્થો ઉપાડતા હતા,
ત્યારે એન.એન.સી. સ્ટીલ કંપનીના મંજૂરી લેટરની માગણી કરતાં આરોપી ઈશાકે
ગાળા-ગાળી કરી, ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી બળજબરીથી ક્રેપ
લઈ ગયા હતા. આ અંગે જે-તે સમયે ફરિયાદીએ ખાવડા પોલીસ અને એલસીબીમાં ફરિયાદ અરજી કરી
હતી. પોલીસે આરોપીને નિવેદન નોંધાવવા માટે અવાર-નવાર બોલાવવા છતાં હાજર ન થતાં તેની
વિરુદ્ધ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. દરમ્યાન, આરોપીએ
પોલીસને દબાણમાં લાવવા આર.ઈ. પાર્કમાં કંપનીના પ્રતિબંધિત વિસ્તારના વીડિયો રેકોર્ડ
કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. આ ગુનાના આરોપી ઈશાકની ગઈકાલે એલસીબીએ અટક કરી
છે. ઈશાક સામે ઉત્તરપ્રદેશ તથા એ-ડિવિઝનમાં છેતરપિંડી તેમજ મારામારી સહિતના અનેક ગુના
નોંધાયેલા છે. નોંધનીય છે કે, ઈશાકે આર.ઈ. પાર્કમાં ખુલ્લેઆમ
વેચાતા દારૂ અને તેમાં પોલીસની સાંઠગાંઠ હોવાના આક્ષેપ સાથેના વીડિયો સોશિયલ મીડિયામાં
વાયરલ કર્યા બાદ થોડા દિવસ પૂર્વે એસ.પી.ને. પત્ર લખી પોલીસ તેની સાથે ખોટી ફરિયાદ
દાખલ કરી ફસાવશે અને જીવનું જોખમ હોવા અંગે એસ.પી.ને અરજી કરી હતી.