ભુજ, તા. 20 : કચ્છમિત્ર
એન્કર કપની રતનાલના સંત વલ્લભદાસ સ્ટેડિયમમાં રમાયેલી સેમિ ફાઈનલમાં સળંગ ચાર
વખતની વિજેતા ડીપીએસ ગાંધીધામની હારે અપસેટ સર્જ્યો છે. વ્હાઈટ હાઉસ પબ્લિક સ્કૂલ
ભુજની ટીમે છ વિકેટે વિજય મેળવી વટભેર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. રતનાલ ખાતે આયોજિત સેમિ ફાઈનલનો ત્રિકમભાઈ આહીર, કચ્છમિત્રના મદદનીશ
વ્યવસ્થાપક હુસેન વેજલાણી, રણછોડભાઈ આહીર, નારાણ આહીર અને મહેશ સોનીએ ટોસ ઉછાળી પ્રારંભ કરાવ્યો હતો. ટોસ જીતી વ્હાઈટ
હાઉસ પબ્લિક સ્કૂલ ભુજની ટીમે પ્રથમ બોલિંગ લીધી હતી. પહેલાં બેટિંગ કરતા
કચ્છમિત્ર-એન્કર કપની સળંગ ચાર વખતની વિજેતા ડીપીએસ ગાંધીધામે બિલાલના 73, શુભ
રાજાણીના 19 અને ધ્રુવ ચાવડાના 13 રનની મદદથી આઠ વિકેટે 131 રન
બનાવ્યા હતા. વ્હાઈટ હાઉસ પબ્લિક ભુજ તરફથી પર્વ પટેલે ત્રણ,બરાડિયા નયને બે અને
નિહાર ઠક્કરે એક વિકેટ ઝડપી હતી. રોમાંચક બનેલા આ સેમિ ફાઈનલ જંગમાં વ્હાઈટ હાઉસ
પબ્લિક સ્કૂલ ભુજની ટીમે ચાર વિકેટ ગુમાવી 19.4 ઓવરમાં 132 રન
બનાવી જીત મેળવી ચાર વખતની વિજેતા ડીપીએસ ગાંધીધામને સ્પર્ધામાંથી બહાર કરી મોટો
અપસેટ સર્જ્યો હતો. વ્હાઈટ હાઉસ તરફથી રિશીત ઠક્કર 47, ધર્મરાજસિંહે 18 અને
હર્ષદીપસિંહે 13 રન બનાવ્યા હતા. ડીપીએસ તરફથી યક્ષ ઠક્કર, ચાવડા ધ્રુવ અને અરમાને
શેખે એક-એક વિકેટ ઝડપી હતી. ડીપીએસની ટીમે સેમિ ફાઈનલના મહત્ત્વના મુકાબલામાં 28 રન વધારાના આપી મેચ ગુમાવી હતી. રતનાલની
પિચ ફાસ્ટ અને સ્પીનરને મદદ આપવા સાથે બેસ્ટમેન માટે પણ અનુકુળ જોવા મળી હતી.
રિશીત ઠક્કરને મેન ઓફ ધી મેચ,
તો બિલાલને સેકન્ડ મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. નંદલાલ આહીર અને
ડી. કે. આહીર અમ્પાયર, તો માધવ આહીર તેમજ રાહુલ આહીર સ્કોરર
રહ્યા હતા. ગ્રાઉન્ડ વ્યવસ્થા નવીન આહીરે સંભાળી હતી.