ભુજ, તા. 20 : દિવસોના
રોમાંચ બાદ આ વર્ષની સ્પર્ધાના અંત તરફ જઈ રહેલી કચ્છ ક્રિકેટ એસોસિયેશન સંચાલિત
કચ્છમિત્ર એન્કરવાલા કપ-2025ની ફાઈનલમાં ભુજની આર.ડી. વરસાણી
શાળાએ સ્થાન મેળવ્યું છે. આજે મસ્કાના ક્રિકેટ મેદાન પર રમાયેલી સેમિફાઈનલમાં
ભુજની ટીમે રામકૃષ્ણ હાઈસ્કૂલ-માંડવીને હાર આપી હતી. સવારે રમાયેલી સેમિફાઈનલનો
ટોસ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ ઉછાળ્યો હતો. ટોસ જીતીને રામકૃષ્ણ હાઈસ્કૂલે ભુજની
ટીમને પહેલાં બેટિંગ આપી હતી. આર.ડી.ની ટીમે ઝડપી બેટિંગ કરી નિર્ધારિત 20 ઓવરમાં
પાંચ વિકેટ ગુમાવીને 138 રન બનાવ્યા હતા. મેન ઓફ ધ મેચ
ભૂપેન્દ્ર કેરાઈએ માત્ર 29 દડામાં બે છગ્ગા અને આઠ ચોગ્ગાની
રમઝટથી 64 રન બનાવી ઉપસ્થિતોને ખુશ કર્યા હતા. અનિશ કેરાઈએ 43 રનનું
ઉપયોગી યોગદાન આપ્યું હતું. માંડવી તરફથી સેકન્ડ મેન ઓફ ધ મેચ નિશાંત પટાલિયાએ બે
વિકેટ તથા દર્શીલ ગઢવી અને મેહુલ લાંબાએ 1-1 વિકેટ મેળવી હતી. 139નું
લક્ષ્ય પાર પાડવા મેદાને ઊતરેલી રામકૃષ્ણ હાઈ.ની ટીમ 13.1 ઓવરમાં
44 રને
ઓલઆઉટ થઈ જતાં ફાઈનલમાં પ્રવેશવાનું સ્વપ્ન પૂરું થઈ શક્યું ન હતું. મેહુલ લાંબાએ
સર્વાધિક 13 રન બનાવ્યા હતા. ભુજની ટીમ તરફથી સુનિલ પીંડોરિયાએ 4, ભૂપેન્દ્ર
કેરાઈએ 2 અને પ્રિન્સ પીંડોરિયાએ 1 વિકેટ લીધી હતી. માંડવીના
ધારાસભ્ય ઉપરાંત પ્રદીપભાઈ ઝવેરી,
કે.સી.એ.ના મંત્રી પ્રવીણભાઈ હીરાણી, માંડવી તાલુકા
પંચાયતના પ્રમુખ શિખાબેન નાથાણી, મુલેશભાઈ દોશી, શાંતિલાલ પટેલ, કીર્તિભાઈ ગોર, સચિન વાઘડિયા, મોહન
મહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા. સેમિફાઈનલ મેચમાં અમ્પાયર તરીકે દીપ પેથાણી અને રીના
મોતા જ્યારે સ્કોરર તરીકે જયરાજ રાઠોડ, ધવલ મોતા રહ્યા હતા.
મેદાન વ્યવસ્થામાં જેપાર હિરેન, જય મોતા, રણવીરસિંહ સોઢા રહ્યા હતા. મુલેશભાઈ દોશી, શાંતિલાલ
પટેલ, કીર્તિભાઈ ગોર, સચિન વાગડિયા,
મોહન મહેશ્વરી સેમિફાઈનલ ટોસ વિધિમાં હાજર રહ્યા હતા. ગ્રાઉન્ડ
વ્યવસ્થા જેપાર હિરેન, મોતા જય, સોઢા
રણવીસિંહએ કરી હતી.