ઇસ્લામાબાદ, તા. 20 : પાકિસ્તાનના
પૂર્વ વડાપ્રધાનને મોટો આંચકો આપતા ચુકાદામાં અદાલતે ભ્રષ્ટાચારના એક મામલામાં
ઇમરાન ખાન અને તેમનાં પત્ની બુશરાબીબીને 17-17 વર્ષની જેલની સજા આપી હતી. સંઘીય
તપાસ એજન્સી (એફઆઇએ)ની વિશેષ અદાલતે શનિવારે આ ફેંસલો આપવા સાથે ખાન દંપતી પર 16.4 કરોડનો
દંડ પણ કર્યો હતો. આ મામલો મોંઘા બલ્ગારી ઘડિયાળ સેટ સાથે જોડાયેલો છે. સાઉદી
પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ભેટ આપેલા આ સેટની કિંમત લગભગ બે કરોડ રૂપિયા થાય છે.
ઇમરાને પાકિસ્તાન સંગ્રહાલયને ભેટની સાચી કિંમતની જાણકારી આપી નહોતી. તેમણે ખોટું
બોલતાં ઘડિયાળનો સેટ માત્ર પાંચ લાખનો હોવાનું કહ્યું હતું. આ સેટ સરકારી યોજનામાં
જવાથી બચી જાય, તેવા ઇરાદા સાથે અને પોતે વેચી મારવાના ઇરાદે ઇમરાન આ ખોટું બોલ્યા હતા.
ઇમરાન ખાન અત્યારે ઓગસ્ટ-2023થી અડિયાલા જેલમાં કેદ છે. ખાન
સામે 100થી વધુ કેસ ચાલે છે. ઇસ્લામાબાદની સ્થાનિક અદાલતે ઇમરાનને
પાંચ ઓગસ્ટ, 2023ના
તોશાખાના કેસમાં દોષી ઠરાવ્યા હતા.