રાજકોટ, તા. 27 : વિજયક્રમ પર સવાર અને ઉત્સાહિત ટીમ
ઇન્ડિયા મંગળવારે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાનાર
ત્રીજી ટી-20 મેચમાં મેદાનમાં ઉતરશે ત્યારે તેનું એકમાત્ર લક્ષ્ય જીતની
હેટ્રિક સાથે પ મેચની શ્રેણી ગજવે કરવાનું હશે. રાજકોટના મેદાન પર બેટધરોના
વર્ચસ્વ વચ્ચે મોટા સ્કોરની આશા છે. ટોસ જીતનાર કપ્તાન અહીં બેટિંગ પસંદ કરીને 200 આસપાસનો
સ્કોર કરવા માગશે. બીજી તરફ ઇંગ્લેન્ડ ટીમનું લક્ષ્ય હારનો ક્રમ તોડીને જીત સાથે
શ્રેણી જીવંત રાખવા પર હશે. મેચ મંગળવારે સાંજે સાત વાગ્યાથી શરૂ થશે. રાજકોટમાં
રમાનાર મેચમાં ભારતનો કપ્તાન સૂર્યકુમાર યાદવ ફોર્મ વાપસીની કોશિશ કરશે. અહીંની
પીચ તેને માફક આવે શકે છે, કારણ કે, રાજકોટ સ્ટેડિયમની પીચ સપાટ હોય છે અને બોલ
ધીમો આવે છે. આથી સૂર્યકુમાર જેવા સ્ટ્રોક પ્લેયરને પીચમાંથી મદદ મળી શકે છે. ગયા
વર્ષે સૂર્યકુમારે ભારતની ટી-20 કપ્તાની સંભાળી છે. ત્યારથી ટીમ
શાનદાર દેખાવ કરી રહી છે, પણ સૂર્યકુમાર ખુદ રન બનાવવા સંઘર્ષ કરતો જોવા મળી રહ્યો છે. ટી-20ના આ
સર્વશ્રેષ્ઠ બેટધરે કપ્તાની શરૂ કર્યા પછી 17 ઇનિંગમાં 26.81ની
સરેરાશથી 429 રન કર્યા છે. આથી તે ચેમ્પિયન્સ ટ્રોફીની
ટીમમાં પણ પસંદ થયો નથી. હવે તેની પાસે ખુદને સાબિત કરવાનો સમય આવી ગયો છે. ઉપરાંત
સંજુ સેમસનની શોર્ટ પીચ બોલ રમવાની નબળાઈને લીધે બીજી મેચમાં ભારતીય ટીમ
મુશ્કેલીમાં ફસાઈ હતી, પરંતુ તિલક વર્માએ એક છેડો સંભાળી બે વિકેટે રોચક જીત અપાવી હતી.
ઇંગ્લેન્ડના બે ફાસ્ટ બોલર માર્ક વૂડ અને જોફ્રા આર્ચરે વર્તમાન શ્રેણીમાં શોર્ટ
પીચ બોલિંગથી ભારતીય બેટધરો સામે પડકાર ઊભો કરી રહ્યા છે, પરંતુ
આ બે બોલરની આ રણનીતિ રાજકોટમાં સફળ સાબિત થઈ શકે તેમ નથી કારણ કે અહીંની પીચ ફલેટ
છે. ઉછાળ ઓછો છે. ભારતીય ટીમે પહેલી બે
મેચમાં એકમાત્ર નિયમિત ઝડપી બોલર અર્શદીપ સાથે ઇલેવન પસંદ કરી હતી. જેમાં ત્રણ
સ્પિનર હતા. મોહમ્મદ શમીની ટીમ ઇન્ડિયામાં વાપસી થઈ ચૂકી છે, પણ હજુ ઇલેવનમાં તક મળી નથી. રાજકોટમાં શમી ફરી એકવાર બ્લ્યૂ જર્સીમાં
રમતો જોવા મળી શકે છે. ઇંગ્લેન્ડના બેટર્સની કમજોરી સ્પિન બોલિંગ છે. જે તેનો
કપ્તાન બટલર ખુદ સ્વીકારી ચૂક્યો છે. આથી ભારતીય ઇલેવનમાં ત્રણ સ્પિનરની જગ્યા
નિશ્ચિત સમાન છે. ઇંગ્લેન્ડ માટે રાજકોટની મેચ કરો યા મરો સમાન છે. અહીં મળતી
હારથી તે શ્રેણી ગુમાવશે. આથી બટલરની ટીમ શ્રેણીને જીવંત રાખવા માટે હર હાલમાં જીત
હાંસલ કરવા માગશે.