• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

ભેખડાનાં પાંચ બાળક ભુજમાં દાખલ : ફફડાટ

માતાના મઢ (તા. લખપત), તા. 16 : લખપત તાલુકામાં ભેદી તાવના કહેર વચ્ચે તંત્ર દ્વારા રાહતનો દાવો કરવામાં આવે છે, ત્યાં આજે `એપિસેન્ટર' એવા ભેખડા ગામના એક જ પરિવારનાં પાંચ બાળક ગંભીર તાવમાં પટકાતાં તાત્કાલિક અસરથી ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ જવાતાં વધુ ફફડાટ ફેલાયો હતો. લખપતમાં ભેદી તાવની કળ હજી વળી નથી. ભેદી તાવમાં અસરગ્રસ્ત એવા ભેખડા ગામે નવ વર્ષથી ઓછી ઉંમરના એક જ પરિવારનાં બાળકોની તબિયત લથડતાં વધુ સારવાર માટે ભુજ જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ગામના આગેવાન આરબ જતે જણાવ્યું હતું કે, એક તરફ મહદઅંશે ન્યુમોનિયા ગણાતો આ તાવ અબડાસા, લખપતના 19 જેટલાને ભરખી ચૂક્યો છે. બીજીબાજુ 42 જેટલી આરોગ્ય વિભાગની ટીમો હોવા છતાં તાવની તીવ્રતા ઘટતી નથી. ઓપીડીમાં ઘટાડા વચ્ચે આજે બપોરે ગામમાં આરોગ્ય ટીમની સારવાર હેઠળ ભેખડા ગામના પાંચ બાળક તબિયત લથડતાં સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યાં હતાં. તાવનાં કારણે શરીર તપવું, ઉધરસ, સ્નાયુના દુ:ખાવા સહિતની ફરિયાદ દર્દીઓ કરી રહ્યા છે. આરોગ્ય વિભાગની વ્યવસ્થા બાદ પણ હજી આ બીમારી પર કાબૂ નથી મેળવાયું, તેવું અસરગ્રસ્ત ગામોના લોકો કહી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang