ભુજ, તા. 13 : જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના અગિયારમાં અનુશાસ્તા,
ભગવાન મહાવીરના પ્રતિનિધિ અને આહિંસા યાત્રાના પ્રણેતા આચાર્ય મહાશ્રમણજી પોતાની ધવલ
સેનાની સાથે સૌરાષ્ટ્ર પ્રાંતની યાત્રા શરૂ કરી છે. અનેક ઉપમાઓથી સુશોભીત શાંતિદૂત
આચાર્ય મહાશ્રમણજી બળડાણાથી ગતિમાન થયા હતા. માર્ગમાં અનેક લોકોને આચાર્યના દર્શનનું
સૌભાગ્ય પ્રાપ્ત થયું હતુ. જનજન પર આશીર્વાદ વરસાવતા શાંતિદૂત આચાર્યે બાર કિ.મી.નો
વિહાર કરી વસ્તડી ગામની પ્રાથમિક શાળામાં પહોંચ્યા હતા. શ્રદ્ધાળુઓને આચાર્યએ આશીર્વાદ
આપતા કહ્યું કે, ગુસ્સાને માનવનો શત્રુ કહેવામાં આવે છે. ગુસ્સો માનવ જીવનમાં ક્યારેય
ઉપયોગી નથી થતો. જ્યાં ગુસ્સો હોય છે, ત્યાં અશાંતિ પ્રસરી જાય છે. ક્યારેક ગુસ્સો
જરૂરી પણ હોઈ શકે છે, જેમ કે કોઈ શિક્ષક વિદ્યાર્થીને સુધાર લાવવા માટે ગુસ્સો દર્શાવે
કે દંડ આપે, તો તે ઉપયોગી હોઈ શકે છે. તેની ભાવના દ્વેષની નહીં પરંતુ વિદ્યાર્થીમાં
સુધાર લાવવાની હોય છે. શાળા એ એક અત્યંત મહત્ત્વપૂર્ણ સ્થાન છે, જ્યાં જ્ઞાન અને સંસ્કારોનું
આદાનપ્રદાન થાય છે. શિક્ષકો પર તો વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ નિર્માણની જવાબદારી હોય
છે. તેઓ જ્ઞાન અને સંસ્કાર આપી તેમને ઘડી દે, તો તેમનું જીવન સારું બની શકે છે. મંગલ
પ્રવચન બાદ આચાર્યએ વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાત્મક પ્રશ્નોતરી કરી, જેમાં વિદ્યાર્થીઓએ
બાળસુલભ જવાબો આપ્યા હતા. પ્રાથમિક શાળાના શિક્ષક નરેશભાઈ સોલંકી, ગ્રામ પંચાયતના સરપંચ
ઘનશ્યામાસિંહ ગોહિલે તેમની અભિવ્યક્તિ વ્યક્ત કરી હતી. તેરાપંથ કન્યા મંડળ અને તેરાપંથ
કિશોર મંડળે અલગ-અલગ ગીતો પ્રસ્તુત કર્યા હતા. આચાર્ય અને સાથે લગભગ એકસોની આસપાસની
સંખ્યામાં પદવિહાર કરતાં સાધુ-સાધ્વી ભગવંતોની ધવલ સેનાની મર્યાદા મહોત્સવ વ્યવસ્થા
સમિતિ ભુજના અધ્યક્ષ કીર્તિભાઈ સંઘવીના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ, યુવક પરિષદ્, મહિલા
મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વિગેરે રસ્તાની સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યાનું
આચાર્ય મહાશ્રમણ મર્યાદા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ 2025 ભુજ-કચ્છના પ્રીન્ટ મીડિયા
પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ યાદીમાં જણાવ્યું હતું.