ગાંધીધામ, તા.
16 : વડાપ્રધાન દ્વારા ભુજથી અમદાવાદ વચ્ચે આજે શરૂ કરાયેલી વંદેમેટ્રો (જેનું નામ
નમો ભારત રેપિડ રેલ કરાયું છે)ના ઉદ્ઘાટનની પ્રથમ સફરમાં પ્રવાસીઓએ કચ્છને આધુનિક ટ્રેન
મળી તેનો રાજીપો વ્યક્ત કર્યો હતો. ભુજથી ઉપડયા
બાદ આધુનિક સુવિધાઓથી સજ્જ ટ્રેન અંજાર પહોંચી હતી. અંજારથી ગાંધીધામ સુધી કચ્છમિત્રની
ટીમે પ્રવાસ કર્યો હતો. 12 કોચ પૈકી ટ્રેનના તમામ કોચ પ્રવાસીઓથી ભરચક હતા. બેઠક વ્યવસ્થા મુજબ સામ સામેની
બેઠક ઉપર ત્રણ જણ, તો બાળકો સાથે એક સીટ ઉપર ચાર-ચાર જણ બેઠેલા નજરે જણાયા હતા, તો
એટલા જ ઊભેલા લોકો પણ નજરે પડયા હતા. ટ્રેનમાં સવાર અબાલ-વૃદ્ધ સૌ કોઈ પ્રવાસીઓ પ્રવાસ
કરતા નજરે પડયા હતા. ભુજથી ગાંધીધામ કે અમદાવાદ સુધીનો પ્રવાસ કરનારા પ્રવાસીઓને ટ્રેનના
અનુભવ અંગે પૂછતાં તમામ લોકોએ એકસૂરે આ ટ્રેનને ખુલ્લાં મનથી આવકારી હતી અને તેની સુવિધાઓ
ખાસ કરીને બેઠક વ્યવસ્થા આરામદાયક હોવાનું જણાવ્યું હતું. ભુજથી બેઠેલા એક વયસ્ક પ્રવાસીએ
ચહેરા ઉપર આનંદની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કચ્છીઓ નસીબદાર છે કે, દેશની
પહેલી આધુનિક ટ્રેન ભુજથી શરૂ થઈ. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર. ટ્રેનમાં
ઊભેલા પ્રવાસીઓએ પણ હેન્ડલ સહિતની સુવિધા સારી હોવાનું અને ઊભા રહીને પ્રવાસ કરવામાં કોઈ દુવિધા પડતી ન હોવાનું
ચહેરા ઉપર આનંદની લાગણી સાથે જણાવ્યું હતું.
આજે પ્રથમ પ્રવાસ દરમ્યાન ટ્રેનમાં ચડતા તમામ પ્રવાસીઓને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા
તેમજ અમદાવાદ જવાના નિ:શુલ્ક પાસ આપવામાં આવ્યા હતા. ટ્રેનમાં ઢોલના તાલે નાના-મોટા
પ્રવાસીઓ ઝૂમ્યા હતા અને મોદી-મોદીના નારા
ઢોલના તાલે લગાવ્યા હતા.