• શનિવાર, 20 એપ્રિલ, 2024

કચ્છનાં શિશુગૃહ : હવે છોકરાઓને બદલે છોકરીઓને દત્તક લેનારા વધે છે !

ભુજ, તા. 22 : દીકરીને દૂધપીતી કરવાને બદલે તેને વહાલના દરિયામાં નવડાવવા અને તેના સ્નેહથી નહાઈ જવા માટે સમાજમાં ધીમે ધીમે બદલાવ તો આવી રહ્યો છે અને તેની થોડી પ્રતીતિ બાળકીઓને દત્તક લેનારાઓની વધતી સંખ્યામાં પણ જોવા મળે છે. કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર સંચાલિત ચિલ્ડ્રન એડોપ્ટ એજન્સી (સીએએ) એટલે કે શિશુગૃહ વિભાગમાં હવે છોકરાઓ કરતાં છોકરીઓને દત્તક લેવા માટે ઈચ્છુક દંપતીઓ વધુ આવે છે. કેન્દ્રના પ્રમુખ કમળાબેન વ્યાસ કહે છે કે, સમાજમાં હકારાત્મક પરિવર્તન જોવા મળે છે. અમારી પાસે હવે જે દંપતીઓ દત્તક માટે આવે છે તેમાં કન્યાઓને લઈ પ્રાધાન્ય અપાય છે. કેન્દ્રના સંચાલિકા ઈલાબેન મહેતા વધુ વિગત આપતાં કહે છે કે, 2015-16થી દત્તકની પ્રક્રિયા ઓનલાઈન થઈ છે અને ત્યારથી કેન્દ્રમાંથી 35 બાળક દત્તક લેવાયાં છે, જેમાં 19 દીકરી છે અને 16 દીકરા છે. ઓનલાઈન સિસ્ટમમાં દંપતીએ CARINGS.WCD.GOV.IN માં રજિસ્ટ્રેશન કરાવવું પડે. પ્રક્રિયા થઈ ગયા બાદ અમે કે બાળસુરક્ષા વિભાગ દંપતીની ઘરતપાસ કરીએ, પછી એડોપ્શનની પ્રક્રિયા થાય, તેમાં મોટે ભાગે વેઈટિંગ ચાલતું હોય  છે. એક દંપતીએ તો 2019માં એપ્લાય કર્યું હતું, જેમનો વરો ત્રણ વર્ષે આવ્યો હતો. શિશુગૃહમાં 0થી 6વર્ષનાં બાળકો હોય અને દત્તક લેવા માટેનાં ફોર્મમાં દંપતીને છોકરી કે છોકરો તેનો વિકલ્પ અપાતો હોય છે. માટે ત્યાંથી આઠ બાળક તો વિદેશમાં પણ દત્તક લેવાયાં છે, જે મોટે ભાગે `સ્પેશિયલ નીડ'વાળા હોય છે. હાલ શિશુગૃહમાં 10 બાળક છે જે પૈકી બાળક દત્તક આપી શકાય તે કેટેગરીમાં છે, જ્યારે ચાર એવા છે જે સરકાર દ્વારા હવે 7થી 18 વર્ષનાં બાળકોને પણ દતક લઈ શકાય એવો નિયમ અમલી બનાવ્યો છે. જો કે કચ્છમાં હજી વયજૂથનાં કોઈ બાળક દત્તક અપાયા નથી. ઈલાબેન કહે છે કે, અમુક લોકો એક યા બીજા કારણથી માસૂમ બાળકોને જ્યાં -ત્યાં ત્યજી દે છે એટલે બાળકની સુરક્ષા જોખમાય છે, એટલે અમે સંસ્થાની બહાર પારણાંનો રૂમ રાખ્યો છે, ત્યાં કોઈ વાલી કે વ્યક્તિ બારી ખોલી બાળકને પારણાંમાં સૂવડાવી ઘંટડી વગાડે તો અમે બાળકને લઈ લેશું અને વાલીનું નામ ગુપ્ત રાખવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang