ઉમર ખત્રી દ્વારા : મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 14 : વરસાદ બાદ મહદઅંશે બે દિવસ થયા મેઘરાજાએ આળસ કરતાં તડકો નીકળતાં ભુતડીનાં ખેતરોમાં જે હાથવગું સાધન મળ્યું તેનાથી વિખેડા કાઢવા વ્યાયામ જોવા મળી રહ્યો છે. બાંડિયારાના યુવાન ખેડૂત મામદભાઇ સંઘારે કહ્યું હતું કે આ વખતે પશ્ચિમ કચ્છના વિસ્તારમાં 80 ટકા મગફળીનું વાવેતર થયું છે. છેલ્લા ચાર-પાંચ વર્ષ થયા સારા પ્રમાણમાં વરસાદ થતાં આકાશી પાણી મગફળીને વધુ જોમ બક્ષે છે. હાલમાં ગામડાંનાં ખેતરોમાં જ્યાં જુઓ ત્યાં ખેતરોમાં મિની ટ્રેકટરો કે બળદથી લોકો ઉતાવળે વિખેડા કાઢી રહ્યા છે. આ બાજુ આકાશ સામું તો બીજીબાજુ અંબાલાલની આગાહીથી ખેડૂતો મિની ટ્રેકટરને એક કલાકના 600 વિખેડા કાઢવા આપી રહ્યા છે, તો અમુક વિસ્તારમાં જૂની પદ્ધતિનું જતન કરીને બળદથી વિખેડા કાઢતા ખેડૂતો નજરે પડે છે. નેત્રા પંથકમાં આ વખતે મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર થયું છે. સાથેસાથે પ્રમાણસર કપાસના પણ પાક ખેડૂતોએ લીધા છે તો તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ મગફળીમાં વિખેડાનું કામ ચાલુ હોતાં ગામના અમૃતભાઇ પટેલે કહ્યું છે.