• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

સૃષ્ટિનું નાજુક પર્યાવરણ કવચ તૂટે તે પહેલાં ચેતી જઇએ

દુબઇમાં એકસ્પો સિટી ખાતે યોજાઇ રહેલાં જળવાયુ પરિવર્તન અંગેનાં શિખર સંમેલનનું પરિણામ જે કંઇ આવે, એક સંદેશ સ્પષ્ટ ઊભર્યો છે કે, વિશ્વનાં નાજુક બનતાં પર્યાવરણથી દુનિયા આખી ચિંતિત છે. નિષ્ણાતો-વિજ્ઞાનીઓ લાંબા સમયથી લાલબત્તી ધરી રહ્યા છે કે, કુદરતને જફા પહોંચાડતી પ્રવૃત્તિ પર નિયંત્રણ?નહીં મેળવીએ તો બહુ મોડું થઇ જશે.રશિયા-યુક્રેન, ઇઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધના ઓછાયામાં યોજાઇ રહેલાં સંયુક્ત રાષ્ટ્ર માળખાંનાં 28મા અધિવેશન કોપ-28 પાસેથી ઉમ્મીદ રાખવામાં આવી રહી છે કે, પૃથ્વીને બચાવવા માટે કેટલાક નક્કર નિર્ણય લેવામાં આવશે. સંમેલનને સંબોધતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, અત્યાર સુધી અમીર દેશોએ જે કારનામા કર્યાં છે એની કિંમત દુનિયા ચૂકવી રહી છે. આજે ઝેરી ગેસ ઉત્સર્જન અને બગડતાં પર્યાવરણની નોબત રાતોરાત નથી આવી. મહાસત્તા કહેવાતા સંપન્ન દેશોએ વિકાસની લ્હાયમાં પ્રકૃતિનું બેફામ દોહન કર્યું છે. કુદરતી ત્રોતને નુકસાન પહોંચ્યું, એને લીધે અલ નીનોના પ્રભાવથી વધતું તાપમાન, સમુદ્રનું વધતું જળસ્તર, એન્ટાર્કટિકામાં ઝડપથી ગ્લેશિયર પીગળવાં, પૂર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ચક્રવાત જેવાં ભયંકર પરિણામ ભોગવી રહ્યા છીએ. અત્યાર સુધી આવાં સંમેલનોમાં વાતો ઘણી થઇ?છે, પરંતુ કામની દિશામાં ખાસ કંઇ?થઇ શક્યું નથી. વિશેષ તો વિકસિત દેશોનું વલણ જક્કી હોવાથી પરિણામ નથી આવી શક્યું. અત્યારના સંજોગોમાં વિકસિત રાષ્ટ્રો પાસે ન માત્ર?કાર્બન ઉત્સર્જન ઘટાડવાની આશા રાખવામાં આવી રહી છે, બલ્કે ગ્રીન એનર્જી ક્ષેત્રે મૂડીરોકાણ વધારવાની પણ અપેક્ષા છે. ગ્લોબલ વોર્મિંગથી કોઇ દેશ બચી નથી શક્યા. આ પહેલાં પેરિસ ખાતેનાં અધિવેશનમાં થયેલી સમજૂતી પ્રમાણે તાપમાનને ઔદ્યોગિક ક્રાંતિ પહેલાંની સ્થિતિ અનુસાર 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી સીમિત કરવાનું નક્કી થયું હતું, પરંતુ એ લક્ષ્ય સુધી પહોંચી શકાયું નથી. એન્ટાર્કટિકાનો બરફ?પીગળવો મોટી ચિંતાની બાબત છે. વીતેલાં વર્ષમાં ભારત સહિત દુનિયાના દરેક ખૂણે પ્રાકૃતિક આફતો કે મુશ્કેલીઓ સર્જાઈ એ બધું ગ્લોબલ વોર્મિંગની જ દેન છે. એટલે જ દુનિયામાં પર્યાવરણ જતન સાથે સંકળાયેલાં તમામ સંગઠનો-એજન્સીઓ કોપ-28માં મોટા બદલાવ સાથેના નિર્ણયની વાટ?જોઇ રહ્યાં છે. વિકસિત દેશોએ આત્મમંથન કરવાની જરૂરત છે. ભારત ગંભીરતાપૂર્વક કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવા પ્રયત્નશીલ છે. ગ્રીન એનર્જી, બાયો ફ્યુઅલ, સૌરઊર્જા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, એનાં પરિણામે મળી રહ્યાં છે. આ રીતે દુનિયાના બીજા દેશો અગાઉનાં તમામ સંમેલનોના નિર્ણયો માટે પુનર્વિચાર કરે એ જરૂરી છે. વાસ્તવિકતા એટલી રાહતકારી નથી. શ્રીમંત દેશો સંકીર્ણ સ્વાર્થમાં રચ્યાપચ્યા છે. પ્રશ્ન એ પણ છે કે, ભારત હરિતઊર્જા ઉત્પાદનમાં ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યારે વિકસિત રાષ્ટ્રો આમાં કેટલું મૂડીરોકાણ કરશે ? પ્રદૂષણ વધારતા ઉદ્યોગોનું નિયમન પણ જરૂરી છે. આવનારી પેઢીનું ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે આર્થિક વિકાસની ગતિ થોડી ધીમી કરવી પડે તો એમાં કોઇ દેશોને વાંધો ન હોવો જોઇએ. ભારતે ગ્લાસગોમાં યોજાયેલાં જળવાયુ સંમેલનમાં 2070 સુધી શૂન્ય ઉત્સર્જનનું એલાન કર્યું હતું અને પંચામૃત રણનીતિ પણ જાહેર કરી હતી. ઊર્જા ક્ષમતામાં બિનજીવાશ્મિ ઇંધણની ભાગીદારી 50 ટકા ઘટાડવાનુંય વચન આપ્યું છે. તદુપરાંત રિન્યૂએબલ ઊર્જા ક્ષમતા 500 ગિગાવોટ સુધી વધારવા તથા કાર્બન ઉત્સર્જન એક અબજ ટન નીચે લાવવાનુંય લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. જળવાયુ સંરક્ષણ માટે ભારતની પ્રતિબદ્ધતાનું આ પ્રમાણ છે. અહીં પ્રશ્ન વિકસિત દેશો માટે છે. ભારત જેવા રાષ્ટ્રો પોતાનાં આર્થિક હિતોને નુકસાન પહોંચાડીને કડક નિર્ણયો લે છે, તો શ્રીમંત રાષ્ટ્રોએ આવા દેશોની મદદ કરવી જોઇએ. દુબઇ બેઠકમાં માનવજાત માટે રાહતરૂપ નિર્ણય આવે એવી અપેક્ષા રાખીએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang