ઓપરેશન સિંદૂર પછી ઘોર પરાજયથી છોભીલા પડેલા પાકિસ્તાન અને તેનું
હિતરક્ષક ચીન ભારતના વધતા પ્રભાવમાં વિઘ્ન ઊભા કરવાની એક પણ તક જતી કરતા નથી. વડાપ્રધાન
નરેન્દ્ર મોદી અનેક દેશોની યાત્રામાં ભારતનું ગૌરવ વધારી રહ્યા છે. પશ્ચિમ એશિયામાં
પોતાને એકમાત્ર મહાસત્તા સમજનારું ચીન આનાથી અકડાયું છે. પાકિસ્તાન, બાંગલાદેશ જેવા રાષ્ટ્રો સાથે મળીને જુદું સંગઠન
રચવાની હિલચાલ તેણે આદરી છે. લશ્કરી તાકાતમાં ભારતના સામર્થ્યને કોઇ ઓછું આંકી શકે
નહીં. આધુનિક હથિયારો, યુદ્ધ સામગ્રીથી ભારતનાં દળો સુસજ્જ થઇ
રહ્યાં છે. એટલું જ નહીં આપણા દેશમાં બનેલા `મેક ઇન ઇન્ડિયા' શત્ર-સરંજામ બીજા રાષ્ટ્રોને નિકાસ થઇ રહ્યા છે. ભારતની સંરક્ષણ નિકાસ એક દાયકા
પૂર્વે 2000 કરોડની હતી, જે આજે વધીને 21 હજાર કરોડના વિક્રમી આંકે પહોંચી
છે. તાજેતરમાં ઓપરેશન સિંદૂર દરમ્યાન ભારતીય દળોએ ઘરઆંગણે બનેલા શત્રો-મિસાઇલોથી દુશ્મન
છાવણીમાં કાળો કેર વર્તાવ્યો હતો. ડિફેન્સ ક્ષેત્રને મોદી સરકાર પ્રાથમિકતા આપી રહી
છે. આપણા વિજ્ઞાનીઓ, સંરક્ષણ નિષ્ણાતો
કામે લાગ્યા છે, એને આધારે 2029 સુધી સંરક્ષણ સાધન સરંજામની
નિકાસનો આંક 50 હજાર કરોડને પાર કરી જવાનું
લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. ભારત સક્ષમ રાષ્ટ્ર છે. આપણી ફોજનું શૌર્ય-ક્ષમતા
અદ્વિતીય હોવા છતાં પડોશી દેશોની મેલી મુરાદથી ચેતવાની જરૂર છે. ભારતીય સશત્ર દળોની
ત્રણે પાંખના વડા (સીડીએસ) અનિલ ચૌહાણે તાજેતરમાં ચીન, પાકિસ્તાન અને બાંગલાદેશની ધરી સામે લાલબત્તી
ધરી છે. આ ત્રણે દેશો પોતાની સામેના આંતરિક પડકારો અને મહત્ત્વાકાંક્ષાને લઇને એકબીજા
તરફ ઢળી રહ્યા છે. ભારતની સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતા સામે આ પરિમાણથી ગંભીર પડકાર
ઊભો થશે. લદ્દાખમાં એલએસી પર ભારતની તાકાતનો પરચો જોઇ ચૂકેલું ચીન સીમા વિવાદ ઉકેલવા
માટે મંત્રણાની હિમાયતની ભલે ડાહી ડાહી વાતો કરતું હોય, ઇતિહાસ
કહે છે કે, ડ્રેગન પર ભરોસો મૂકવા જેવો નથી. એનું પ્રમાણ શોધવા
માટે મહેનત કરવાની જરૂર નથી. પાકિસ્તાને એવો ભ્રામક દાવો કર્યો હતો કે, ઓપરેશન સિંદૂર દરમ્યાન તેણે ભારતના રાફેલ, સુખોઇ અને
મિગ સહિતનાં કેટલાય વિમાન તોડી પાડયાં હતાં. ચીને રાફેલ મુદ્દે અપપ્રચાર ફેલાવવા પોતાના
દૂતાવાસને સક્રિય કર્યું હતું. બીજિંગનો હેતુ ફ્રાંસ દ્વારા નિર્મિત સૌથી સફળ યુદ્ધવિમાનની
પ્રતિષ્ઠા ખરડવાનો પ્રયાસ હતો. ફ્રાંસની જાસૂસી સંસ્થાના હેવાલ મુજબ આમ કરવા પાછળ ચીનનો
હેતુ એ હતો કે, રાફેલ ખરીદવા માટે આતુર ઇન્ડોનેશિયા સહિતના દેશો
પોતાનો ઓર્ડર પડતો મૂકે અને તેને બદલે ચીન દ્વારા નિર્મિત્ત યુદ્ધવિમાન ખરીદવા આગળ
આવે. આ વિશે ફ્રાંસ વાયુદળના વડા જનરલ જેરોમ બેલગરે કહ્યું હતું કે, રાફેલ તોડી પડાયાની વાત સરાસર જૂઠી છે. આ વિમાનમાં ટેકનિકલ ક્ષતિ આવી હતી.
પાકિસ્તાન દળો તે માટે કોઇ યશ લઇ શકે તેમ નથી. આ ત્રણ દેશની મનસા ભારતને નુકસાન પહોંચાડવાની
હોય એમાં કંઇ નવું નથી. આપણી સશત્ર સેનાઓએ ટેકનિકલ પરિવર્તન અનુસાર શત્ર સરંજામને અત્યાધુનિક
બનાવવાની જરૂર છે. એ યાદ રહે કે, ચીન અને પાકિસ્તાન અણુશક્તિ
સંપન્ન દેશો છે. છેલ્લાં પાંચ વર્ષમાં બંને દેશની સંરક્ષણ ભાગીદારી ગાઢ બની છે. પાકિસ્તાન
તેના 70થી 80 ટકા શત્રો-ઉપકરણો ચીન પાસેથી ખરીદે છે. હવેનાં યુદ્ધ ભૂમિ કે
આકાશ પૂરતાં જ સીમિત નથી. પરંપરાગત લડાઇ સાથે સાયબર યુદ્ધ, અંતરિક્ષ યુદ્ધ અને માહિતી યુદ્ધ જેવા પડકારોનો
સામનો કરવાની આપણે સજ્જતા કેળવવી પડશે. નવા સિનારિયોમાં ભારતે તેની રણનૈતિક સ્થિતિનું
મૂલ્યાંકન કરીને યોગ્ય બદલાવ લાવવો જરૂરી છે. સશત્ર દળોને વિશેષ તાલીમ ચાવીરૂપ પુરવાર
થઇ શકે છે.