• શુક્રવાર, 26 ડિસેમ્બર, 2025

આધુનિક અપરાધથી સ્થિતિ ગંભીર; સજ્જતા જરૂરી

આર્થિક આદાન-પ્રદાનની આધુનિક વ્યવસ્થા અપરાધના આધુનિકીકરણમાં પણ નિમિત્ત બની રહી છે. વિજ્ઞાન આધારિત કોઈ પણ બાબત હોય, કોઈ પણ ટેક્નોલોજી હોય તેના હંમેશાં બે પાસાં હોય જ. સોશિયલ મીડિયા, ઈન્ફર્મેશન ટેક્નોલોજીએ જગતને ઘણું આપ્યું અને આપી રહ્યા છે. ટેક્નોલોજીની ટીકા ન હોઈ શકે, પરંતુ તેનાથી થતા નુકસાન માટે સતત ચિંતન કરવાની આ વેળા છે. વિજ્ઞાનની વિવિધ શાખામાં કદાચ ભારત અગાઉ થોડું પાછળ હશે, પરંતુ આઈ.ટી. ક્ષેત્રે તે અન્ય દેશોને સમાંતર અને એક સ્તરે આગળ છે. આધુનિક વ્યવસ્થાની જે ક્ષતિઓ છે તેની અસર પણ દેશને થઈ રહી છે તેમાં એક સૌથી મહત્ત્વની બાબત છે સાયબર ક્રાઈમ. આમ તો, 2016થી સરકારે દેશના નાગરિકોને ઓનલાઈન ચૂકવણા કે આર્થિક લેવડદેવડ તરફ વાળ્યા. નોટબંધી વખતથી આ જાગૃતિ ફેલાવવાનું કામ થયું. ઈરાદો એ હતો કે, રોકડ વ્યવહાર ઘટે અને કાળું નાણું બજારમાં ફરતું ઓછું થાય. કોરોના સમયે આ નિયમ લોકોની ટેવમાં પરિણમ્યો, આર્થિક વ્યવહાર સરળ બન્યા છે. પ્રવાસમાં નીકળતા લોકો ખિસ્સાંમાં વધારે જોખમ રાખ્યા વગર નીકળી શકે છે. સામે આ ઓનલાઈન પેમેન્ટ કે બેન્કની એપ, નેટ બેન્કિંગ જેવી સુવિધાનો દુરુપયોગ કરી લોકોનાં નાણાં ચોરવાની પ્રવૃત્તિ કરતી ટોળીઓ સક્રિય છે. સાયબર અપરાધ સતત વધ્યા છે. સ્થિતિ ગંભીર છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સ્થાપિત નોડલ એજન્સી 14સીના અહેવાલ અનુસાર 2025ના પ્રથમ છ માસમાં સાયબર ક્રાઈમને લીધે ભારતને પ્રતિમાસ સરેરાશ 1000 કરોડનું નુકસાન થયું. 2025માં સંભવિત વાર્ષિક નુકસાન રૂા. 1.2 લાખ કરોડથી વધારે થવાની શક્યતા 14સીએ વ્યક્ત કરી છે, જે ભારતના જીડીપીના 0.7 ટકા છે. ગુજરાતમાં પણ હમણા તો ગામેગામ ઓનલાઈન છેતરપિંડી, ડિજિટલ એરેસ્ટના કિસ્સા વધી રહ્યા છે. 15મી ડિસેમ્બરે જ ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સએ દેશવ્યાપી સાયબર ફ્રોડ સિન્ડિકેટના એક સદસ્યની ધરપકડ કરી છે. વોટ્સએપ વીડિયો કોલ થકી નાગરિકોને ડિજિટલ એરેસ્ટ કરીને સરકારી એજન્સીઓનાં નામે ડરાવીને કરોડો રૂપિયા પડાવે છે. 18.55 કરોડનાં આ કૌભાંડની ફરિયાદ 11 રાજ્યોમાં થઈ છે. ગુજરાત પોલીસે આ ક્ષેત્રે નોંધપાત્ર કામ કર્યું છે. ઓપરેશન `મ્યુલ હન્ટ' ચાલી રહ્યું છે. એક જ અઠવાડિયાંમાં 365 ફરિયાદ થઈ છે, 215 આરોપીની ધરપકડ થઈ છે. હવે નવી પ્રથા શરૂ થઈ છે. લોકો પોતાનાં બેન્ક એકાઉન્ટ આવા સાયબર ગુનેગારોને ભાડે આપી રહ્યા છે. બેફામ રીતે વધી રહેલા આ સાયબર ગુનાને રોકવા ગુજરાતમાં પોલીસ સક્રિય છે. કેન્દ્ર સરકાર પણ ભારતીય સાયબર અપરાધ સમન્વય કેન્દ્ર ચલાવે છે. કોઈ અજાણ્યા નંબર ઉપરથી ફોન આવે તો જવાબ ન આપવો, આધારકાર્ડ કે અન્ય કોઈ આઈડીના નંબર આપવા નહીં સહિતની જાગૃતિના સંદેશ સતત અપાઈ રહ્યા છે. લોકોએ પણ સોશિયલ મીડિયાના ઉપયોગમાં આ સતર્કતા રાખવી જરૂરી છે. સાયબર ક્રાઈમ રોકવા માટે પોલીસ તંત્રના પ્રયાસનો વિકલ્પ નથી જ પરંતુ લોકોની પોતાની જવાબદારી, જાગૃતિ સૌથી અગત્યની છે. તંત્ર પણ ગુનેગારોને પકડે તે પૂર્વે સતત લોકોને જગાડતા અભિયાનોની આવશ્યકતા છે. સાયબર ક્રાઈમથી કઈ રીતે બચી શકાય તેની સમજ સાતત્યપૂર્ણ રીતે આપવી પડશે. વર્તમાન સમયમાં ટેક્નોલોજીના ઉપયોગ વગર આપણે રહી પણ શકતા નથી અને તેની સામે આવા જોખમ પણ સતત વધી રહ્યા છે. આ ગુનાને કોઈ સરહદ નડતી નથી. નાનાં ગામમાં બેઠેલા માણસના બેન્ક એકાઉન્ટમાં પૈસા હોય અને જો તેનું તે એકાઉન્ટ મોબાઈલ ફોનમાં હોય તો કંઈ પણ થઈ શકે. ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે સામે સક્ષમ સિસ્ટમ અને જાગૃતિ અનિવાર્ય છે.

Panchang

dd