ભુજ, તા. 25 : સોલારની
ડીલરશિપ લેવા વેબસાઇટ પર ઇન્કવાયરી કર્યા બાદ ફોનથી થયેલી વાતચીત પ્રમાણે રજિસ્ટ્રેશન, એગ્રીમેન્ટ ફી તથા સિક્યુરિટી ડિપોઝિટ ભરાવી દીધા બાદ વધુ નાણાંની માગણી થતાં
ફરિયાદીને શંકા જતાં તપાસ કરતાં તેની સાથે 3.11 લાખની
ઠગાઇ થયાનું સામે આવ્યું હતું. આ અંગે ગઇકાલે એ-ડિવિઝન પોલીસ મથકે સોલાર રૂફટોપનો વેપાર
કરતા અરવિંદભાઇ ખીમજીભાઇ લેઉવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 17/11ના તેમણે ટાટા સોલારની ડીલરશિપ માટે વેબસાઇટ પર ઇન્કવાયરી
કરી હતી અને બીજા દિવસે ઇ-મેઇલ આવ્યો હતો, જેમાં ડીલરશિપ માટેનું રજિસ્ટ્રેશન
ફોર્મ હતું. બાદમાં એક ફોન આવ્યો હતો. ફોર્મ ભરી અને ડોક્યુમેન્ટ સાથે ઇ-મેઇલ કરી દીધા
બાદ ટાટા સોલારમાંથી મનીષ બોલું છું. તમારી ડીલરશિપ એપ્રૂવ્ડ થઇ ગયાનું જણાવી પેમેન્ટ
એકાઉન્ટ અને એપ્રૂવલ લેટર મોકલી દીધાનું કહી રજિસ્ટ્રેશન ફી રૂા. 25,500 ટ્રાન્સફર કરી તેની રિસિપ્ટ મેઇલ કરી દેવા કહ્યું હતું.
આ ફી ભરી દીધા બાદ એગ્રીમેન્ટ ફી રૂા. 55,500 અને
સિક્યુરિટી ડિપોઝિટ પેટે રૂા. 2,30,000 અલગ-અલગ
સમયે ભરાવ્યા હતા, જેની રિસિપ્ટ પણ મેઇલ કરી દીધી હતી. બાદમાં સોલારના સામાન
માટે રૂા. 10 લાખ મોકલી આપવા જણાવ્યું. ફરિયાદી
કામમાં વ્યસ્ત હોવાથી બે દિવસ રૂપિયા ન મોકલી શકતાં ફરી મનીષનો ફોન આવ્યો હતો અને જણાવ્યું
કે, એવું હોય તો હાલ પાંચ લાખ મોકલાવો, બાકીના પાંચ લાખા સામાન મળી જાય પછી મોકલાવજો. આથી ફરિયાદીને શંકા ગઇ કે,
બજારમાં કોઇ કંપની ક્રેડિટ ઉપર માલસામાન નથી મોકલી આપતી. આથી બધી જગ્યાએ
તપાસ કરી ટાટા સોલારની હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી આ બાબતે માહિતી મેળવતાં તેમણે જણાવ્યું
કે, આવી કોઇ વ્યક્તિ અમારા કર્મચારી નથી તેમજ આવી કોઇ ઇ-મેઇલ
એકાઉન્ટ આઇ.ડી. નથી. આમ ફરિયાદી સાથે ફ્રોડ થયાનું જણાતાં તેમણે ફરિયાદ નોંધાવી છે.