ભુજ, તા. 25 : કચ્છી
સાહિત્ય અને ભાષાના વિકાસ માટે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કરાતાં આયોજન આવકાર પાત્ર
છે. આજે ભુજનાં સ્મૃતિવન ખાતે ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપક્રમે સતત ત્રીજા વર્ષે કચ્છ
સાહિત્ય મહોત્સવના વિધિવત આરંભ અવસરે યોજાયેલા ઉદ્ઘાટન સમારંભમાં બોલતા કચ્છના મૂર્ધન્ય
સાહિત્યકાર પદ્મશ્રી નારાયણ જોશી `કારાયલ'એ અકાદમીનાં આયોજનને આવકાર આપ્યો હતો. આજના કાર્યક્રમમાં ગુજરાત સાહિત્ય અકાદમી તથા કચ્છી
સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2023 તથા
2024 દરમ્યાન જાહેર કરાયેલા વિવિધ પુરસ્કાર
મેળવનારા કચ્છી સર્જકોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં પબુ ગઢવી `પુષ્પ', હસમુખ અબોટી `ચંદન', પૂર્વી ગોસ્વામી કૃપા નાકર, રવિ પેથાણી, હરેશ દરજી વગેરે સર્જકોનું સન્માન કરવામાં આવ્યું હતું. કચ્છી સાહિત્યકાર પદ્મશ્રી
નારણજી કારાયલ જોશીએ અકાદમીની કચ્છ સાહિત્ય આયોજનને આવકાર આપી કચ્છી સાહિત્ય માટે કચ્છમિત્ર
સહિતનાં માધ્યમો દ્વારા કરવામાં આવતા ઉપક્રમોને આવકાર આપ્યો હતો અને પ્રતિ વર્ષ આવા
કાર્યક્રમો યોજાતા રહે એવી આશા વ્યક્ત કરી હતી. આ અવસરે અતિથિ તરીકે ઉપસ્થિત કચ્છ યુનિવર્સિટીના
કુલપતિ ડો. મોહનભાઈ પટેલે અકાદમીનાં આયોજનને બિરદાવી અને યુનિવર્સિટીના સહકાર માટેની
ખાતરી આપી હતી ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડો. ભાગ્યેશભાઈ જ્હાએ સૌને આવકાર આપી
અકાદમીનાં આયોજનની વિગત આપી હતી તથા કચ્છી સાહિત્ય મહોત્સવને મળી રહેલા આવકારનો આનંદ
વ્યક્ત કર્યો હતો. પ્રથમ દિવસે કચ્છી ગાયિકા ગીતા રબારીના કચ્છી ગુજરાતી લોકગીતોનો
વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, તેરા ઠાકોર મયૂરધ્વજસિંહ જાડેજા
સહિતના અગ્રણીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન
ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો. જયેન્દ્રાસિંહ જાદવ, અજયાસિંહભાઈ
અને ડો. કાશ્મીરાબેન મહેતા સંભાળી રહ્યા છે. સવારનું સંચાલન રિશિ જોશીએ કર્યું હતું.
આવતીકાલથી સ્મૃતિવન ખાતે અકાદમી દ્વારા ચાર દિવસ વિવિધ સત્રોમાં ચાલનારા કાર્યક્રમ
દ્વારા કચ્છી સાહિત્ય, ઇતિહાસ વિશે સર્જકો પોતાના વિચારો વ્યક્ત
કરશે. કવિ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.