ગાંધીધામ, તા. 25 : શહેરના
વોર્ડ 7-સી વિસ્તારમાં આવેલા એક મકાનમાં
પાછળથી ઘૂસી તસ્કરે બેડરૂમમાં જઇ રોકડ રૂા. 65,000ની
તફડંચી કરી હતી. શહેરના એ-ડિવિઝન પોલીસ મથક નજીક વોર્ડ 7-સીમાં પ્લોટનંબર બાવનમાં ગત તા. 16/12થી 17/12 દરમ્યાન
આ બનાવ બન્યો હતો. ઓસ્લો-જી.આઇ.ડી.સી.માં અબ્બાસ ટિમ્બર ચલાવતા ફરિયાદી હુજેફા કુરબાન
હુસેન લાકડાવાલાએ પોતાના બેડરૂમના ડ્રોવરમાં રોકડ રૂા. 65,000 મૂકી રાખ્યા હતા. તેઓ ધંધાર્થે અમદાવાદ ગયા હતા. પાછળ
પરિવારના અન્ય સભ્યો હાજર હતા. અમદાવાદથી પરત આવીને ડ્રોવરમાં જોતાં પૈસા નહોતા જેની
પૂછપરછ કરતાં ઘરમાંથી કોઇએ લીધા નહોતા. ફરિયાદી ધંધાર્થે મુંબઇ ગયા બાદ પરત આવી ફરીથી
પૈસા અંગે પૂછતાં ઘરમાં કોઇએ ન લીધા હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે તેમના બેડરૂમમાં
પાછળથી કોઇ આવ્યું હતું કે કેમ તે જોવા પાડોશમાં રહેતા સંજય અગ્રવાલના ઘરે લાગેલા સી.સી.ટી.વી.
કેમેરા જોતાં 16/12ના રાત્રે
નવ-સવા નવની આસપાસ એક શખ્સ પાછળના ભાગેથી બેડરૂમમાં ઘૂસતો જણાયો હતો તેમજ બે કલાક ત્યાં
રહી બહાર નીકળતાં પણ ફૂટેજમાં નજરે પડયો હતો. બે કલાક ઘરમાં રહેવા છતાં કોઇને તેની
જાણ થઇ નહોતી. આ તસ્કરે રોકડ રૂા. 65,000ની
તફડંચી કરીને નાસી ગયો હતો. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.