• ગુરુવાર, 25 ડિસેમ્બર, 2025

પર્યાવરણનો ખજાનો અરવલ્લીમાં ખોદકામ પર અંતે રોક

આધુનિક સમયમાં વિકાસની સાથે પર્યાવરણની જાળવણીની અનિવાર્યતા સતત ચર્ચાતી રહી છે. ભારતમાં વિકાસના પાયા સમાન ખનિજ ખનનનાં ક્ષેત્રના બેલગામ વિકાસના ઔચિત્યનો મુદ્દો ફરીવાર ચિંતા જગાવી રહ્યો છે. અરવલ્લી પર્વતમાળાના સંદર્ભમાં અદાલતે આપેલા આદેશે ફરીવાર આ ચિંતાને વધારી છે. આ પર્વતમાળામાં ખનનના માર્ગને મોકળો કરતા સર્વોચ્ચ અદાલતના આદેશથી મોટી વસ્તી માટે આધાર સમાન અને કુદરતી સંપદા માટે જીવનરેખા સમાન આ પર્વતોનાં સંરક્ષણની લાગણી તીવ્ર બની, આંદોલનોએ થયા. અંતે કેન્દ્ર સરકારે સંબંધિત રાજ્યોને અરવલ્લીમાં ખોદકામની સંપૂર્ણ મનાઇ ફરમાવી દેતાં મામલો ઉશ્કેરાઇ ગયાનું સમજાય છે. તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે આદેશ કર્યો છે કે, અરવલ્લી પર્વતમાળા વિસ્તારમાં 100 મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવતા ભૂભાગને જ પર્વતમાળાનો હિસ્સો ગણાશે. અરવલ્લી અંગેની આ નવતર પરિભાષાથી આશંકા જાગી કે, 100 મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતી ટેકરીઓ પર ખનિજ ખનન, બાંધકામ અને વેપારી ગતિવિધિઓ માટેનો માર્ગ મોકળો બની જશે. આમ થાય તો આખા વિસ્તારમાં પર્યાવરણની સ્થિતિ ગંભીર બની શકે છે. રાજસ્થાન, હરિયાણા, ગુજરાતથી માંડીને છેક દિલ્હી સુધી લંબાતી આ ચાવીરૂપ પર્વતમાળા આખા ઉત્તર ભારતનાં પર્યાવરણને સંતુલીત રાખવા એક કુદરતી દીવાલ તરીકે ભૂમિકા ભજવતી આવી છે. વક્રતા એ છે કે, પર્યાવરણની રીતે ભારે મહત્ત્વ ધરાવતી આ પર્વતમાળામાં વિવિધ ખનિજોનું અમર્યાદ ખનન જોખમી બની ચૂક્યું છે. પથ્થર, રેતી, કે અન્ય કિંમતી ખનિજની વધી રહેલી માંગે છેલ્લા થોડા દાયકાથી આ કિંમતી વિસ્તારને ધમરોળી નાખ્યો છે. આમ તો ભારે વિરોધ થયા બાદ કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ આ વિસ્તારમાં માત્ર 0.19 ટકા વિસ્તારમાં જ ખનન કરવા દેવાશે એવો બચાવ કર્યો છે.  પણ આ હૈયાધારણ કેટલા અંશે અમલી બની શકશે એ શંકા અત્યારથી ઊભી થઈ રહી છે. મહત્ત્વની બાબત એ છે કે, સર્વોચ્ચ અદાલતે અરવલ્લી અંગે આદેશ હજી હમણા જ આપ્યો છે, પણ ખનિજ સંપદાથી સંપન્ન આ વિસ્તારમાં ગેરકાયદે ખનન બહુ લાંબા સમયથી ચાલી રહ્યંy છે. પર્યાવરણ મંત્રીની 0.19 ટકા વિસ્તારની મર્યાદા કરતાં પણ વધુ વિસ્તારમાં ખનન ક્યારનુંય ચાલતું હોવાના બિનસત્તાવાર અહેવાલો આવતા રહે છે. હાલત એવી છે કે, આરસ, રેતી, કપચી જેવા ખનિજોની સાથોસાથ કિંમતી ખનિજોની ખાણો સતત ધમધમતી રહે છે. પરિણામ સ્વરૂપ પર્વતોમાં જંગલોનો સોથ વળી રહ્યો છે અને આસપાસનાં ગામો અને નગરોની હવા ઝેરી બની ગઈ છે. વળી ભૂગર્ભ જળનો ભંડાર ધરાવતા આ પર્વતીય વિસ્તારોમાં આ પાણીનો ખજાનો પણ ઝડપભેર બિનઉપયોગી થવા લાગ્યો છે. સર્વોચ્ચ અદાલતે આપેલા આદેશ બાદ પર્યાવરણપ્રેમીઓનું ધ્યાન અરવલ્લી પર્વતમાળા અને તેની સામેના જોખમો તરફ ખેંચાયું. હાલની સ્થિતિની સાથોસાથ ભવિષ્યના જોખમો અંગે નામી અને અનામી પર્યાવરણવાદીઓ દ્વારા વ્યક્ત થવા લાગેલા વિરોધે સરકારને આ પર્વતમાળાના જતન માટે વિચારતી કરી દીધી. વિરોધ પક્ષ કોંગ્રેસે પણ રાજકીય લાભ ખાટવા મામલામાં ઝંપલાવી દીધું. વાત ખરેખર ગંભીર છે. કુદરતી સ્થાનોનું નફાલક્ષી દૃષ્ટિ સાથે દોહન થાય એ વિનાશ જ નોતરે. કેન્દ્ર સરકારે અંતે નવા ખનન પર રોક લગાવીને સમયસર શાણપણભર્યો નિર્ણય લીધો છે. બીજા રાજ્યોને પણ તેનો લાભ મળશે એમ કહી શકાય.

Panchang

dd