• બુધવાર, 24 ડિસેમ્બર, 2025

સંસદીય `સ્નેહમિલન'

સંસદમાં સભ્યો સૂત્રો પોકારતાં હોય, સરકારી કાર્યવાહીનો અવરોધ, વિરોધ કરતા હોય અને સ્પીકરની સૂચનાઓ અવગણતા હોય, આખરે સ્પીકર ગૃહની બેઠક થોડા સમય માટે મોકૂફ રાખે, વિપક્ષી સભ્યો સામૂહિક સભાત્યાગ-વોકઆઉટ કરી જાય-એવાં દૃશ્ય આપણે ટીવી ઉપર જોયાં હોવાથી ગૃહની બહાર શાસક અને વિપક્ષના સભ્યો હળીમળીને, હસીખુશીથી વાત કરતા હોય, ચા-નાસ્તો કરતા હોય એમ માની શકાય ? પણ આવું દૃશ્ય જોઈને આપણને લાગે કે ગૃહમાં પણ કાર્યવાહી આવા સકારાત્મક વાતાવરણમાં ચાલે તો કેવું સારું ! આખરે સંસદની કાર્યવાહી અને વ્યવસ્થા માટે ચૂંટાયેલા સભ્યો જવાબદાર હોય છે અને કામના કલાકો, દિવસો નકામા જાય ત્યારે જનતા-સરકારની તિજોરીને કેટલી ખોટ જાય છે-તેના આંકડા પણ જાહેર થાય છે. સંસદનું સત્ર સમાપ્ત થાય ત્યારે સ્પીકર દ્વારા શાસક અને વિપક્ષના નેતાઓને `સ્નેહમિલન' માટે આમંત્રણ આપે છે. ઓગસ્ટમાં આવા આમંત્રણનો વિરોધ પક્ષોએ અસ્વીકાર કર્યો હતો, પણ આ વખતે સહર્ષ સ્વીકાર થયો. વડાપ્રધાન સાથે અન્ય પ્રધાનો ઉપરાંત વિપક્ષના સભ્યોમાં પ્રિયંકા વડરા અને અખિલેશ યાદવ વગેરે હતા, પણ સૌનું ધ્યાન વડાપ્રધાન મોદી અને પ્રિયંકા ઉપર હતું. હકીકતમાં રાહુલ ગાંધીના બદલે પ્રિયંકા વડરા ગાંધી આવ્યા તે સારું થયું. વડાપ્રધાન મોદી પ્રાદેશિક ભાષાના શબ્દો શીખીને યાદી રાખી શકે છે. કોંગ્રેસી સભ્યને એમણે વણક્કમ-પધારો કહીને આવકાર્યા. પ્રિયંકા કહે, હું મલયાલમ શીખી રહી છું. તમિળ ભાષા જરા મુશ્કેલ છે. મોદીએ કેરળની `બ્લ્યુ હળદર' વિશે પૂછયું તો પ્રિયંકાએ કહ્યું, ગળાં માટે અસરકારક દવા છે. મારા ભાઈએ મને સલાહ આપી અને મને રાહત પણ થઈ છે. પ્રિયંકાએ ત્રણ દેશોની મુલાકાત કેવી રહી એમ પૂછયું ! પ્રથમ દિવસે જો સરકારે ચર્ચાની મંજૂરી આપી હોત તો કાર્યવાહી સારી રીતે થઈ હોત એમ પ્રિયંકાએ કહ્યું, ત્યારે મોદીએ હળવાશથી કહ્યું કે, ઘોંઘાટ કરનારા સભ્યોને તો મજા આવી ગઈને! હકીકતમાં વિરોધ પક્ષોના અવરોધ અને ઘોંઘાટ પછી પણ સરકારે ચર્ચાની મંજૂરી આપી. વંદે માતરમ્, ચૂંટણી સુધારા અને મનરેગા ઉપર ચર્ચા મધરાત સુધી ચાલી. 98 સભ્યે ભાગ લીધો અને શિવરાજ ચૌહાણના જવાબ પછી ખરડો પસાર થયો. આખરે સરકારી કાર્યવાહી થઈ શકી તેથી સત્ર સફળ ગણાય. ભવિષ્યમાં શાસક-વિપક્ષ વચ્ચે આવો સહકાર જળવાઈ રહે એવી આશા રાખીએ.

Panchang

dd