ભુજ, તા. 25 : સસ્તાં
સોનાંની લાલચનું ષડયંત્ર રચનારી ભુજની વિવિધ કુખ્યાત ટોળકીઓના અનેક લોક ભોગ બની ચૂક્યા
છે, ત્યારે દોઢેક વર્ષ પૂર્વે આવી જ એક ટોળકીની ત્રિપુટીનો ભોગ
રાજસ્થાનના વેપારી બન્યા હતા અને તેની સાથે 28 લાખની
છેતરાપિંડી થયાની ફરિયાદ નોંધાવી છે. દરમ્યાન એક આરોપીને મુદ્દામાલ 28 લાખ સાથે એલસીબીએ ઝડપી પાડયો છે. આ અંગે ગઈકાલે ભુજના
એ-ડિવિઝન પોલીસ મથકે રાજસ્થાનના બ્યાવરના માવા-પનીરના વેપારી નિત્યાનંદ સુભાષચંદ્ર
ઉપાધ્યાયએ આરોપી રિયાઝ શેખ જેનું સાચું નામ હુસેન ઉર્ફે ભાભા ત્રાયા, ભાવેશ સોની જેનું સાચું નામ સલમાન ગુલામશા સૈયદ અને અંકુર જોશી (રહે. ત્રણે
ભુજ) સામે વિશ્વાસઘાત - છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં નોંધાવેલી વિગતો
મુજબ ફરિયાદીએ બે વર્ષ પૂર્વે તેના મોબાઈલમાં ફેસબુક ઉપર સસ્તાં સોનાંની જાહેરાત જોઈ
હતી અને આપેલા નંબર ઉપર ભાવેશ સોનીનો સંપર્ક કરતાં દુબઈથી ઈમ્પોર્ટ કરેલ ગોલ્ડ બિસ્કિટનો
બિઝનેસ હોવાનું જણાવી બજારભાવ કરતાં સસ્તું સોનું આપતા હોવાની વાત કરી હતી. ફરિયાદી
તા. 25/4/24ના તેઓના કહેવા
પ્રમાણે ભુજ આવ્યા હતા. ત્રિમંદિર પાસે બોલાવી ત્યાંથી સફેદ ક્રેટા કારમાં ભાવેશ સોની
આવીને તેઓના બોસ રિયાઝ શેખ સાથે તેના એરપોર્ટ રોડ પરના ફાર્મહાઉસ પર મિટિંગ કરાવી હતી.
ફરિયાદીને સોનાં જેવાં લાગતાં ત્રણ બિસ્કિટ બતાવ્યાં હતાં. ફરિયાદીએ 250 ગ્રામ સોનું જોઈએ છે તેવી વાત કરતાં તેમણે કહ્યું હતું
કે, અમે ઓછામાં ઓછું એક કિલો સોનું આપીશું, તેનાથી નીચેની ડીલ અમે નથી કરતા. તમે હાલે 28 લાખ એડવાન્સ આપજો, બાકીના 26 લાખ તમને સોનું આપું ત્યારે ચકાસણી કરી બાદમાં આપજો.
ફરિયાદીએ કહ્યું, હાલ મારી પાસે આટલા રૂપિયા નથી. વ્યવસ્થા થઈ જશે પછી તમને
જણાવીશ અને રૂપિયાની વ્યવસ્થા ભીલવારા (રાજસ્થાન) થાશે. આથી તેઓએ જણાવ્યું કે,
ત્યાં મારો માણસ જઈ પૈસા લઈ લેશે. આ બાદ હોટેલ પર આવી ફરિયાદીએ ભીલવારામાં
બનેવીને ફોન કરી સસ્તાં સોનાંની વાત કરતાં બનેવીએ પૈસાની વ્યવસ્થા થઈ ગયાનું જણાવતાં
તેમણે રિયાઝને જણાવી બનેવીના નંબર આપ્યા હતા. 26/4ના 28 લાખ
ભીલવારાથી લઈ ગયા બાદ ફરિયાદી રિયાઝ પાસે ગયા હતા અને પેમેન્ટ મળી ગયાનું જણાવી હવે
તમારી સાથે સોનું લઈ મારો એક માણસ તમારા ઘરે આવશે. ઘરે પહોંચી બાકીના પૈસાની વ્યવસ્થા
કરી આપજો, જેથી માણસ સોનું આપી દેશે. બાદમાં માણસ ન આવતાં રિયાઝને ફોન
કરતાં જુદા-જુદા બહાના બતાવ્યા હતા. આ બાદ ફરિયાદીએ ભુજ આવી તપાસ કરતાં આ વ્યક્તિઓ
વેપારીઓ સાથે સસ્તા ભાવે સોનું આપવાનું કહી ઠગાઈ કરતા હોવાની વિગતો મળી હતી. આથી ફરિયાદી
અને તેના બનેવી ભુજની એલસીબી કચેરીએ આવી વિગતો જણાવતાં પોલીસે આવા રિઢા ગુનેગારોના
ફોટા બતાવતાં રિયાઝનું સાચું નામ હુશેન ઉર્ફે ભાભા ત્રાયા, ભાવેશનું
સાચું નામ સલમાન ગુલમામદ સૈયદ અને બનેવી પાસેથી પૈસા લેનાર અંકુર જોશી ઓળખી બતાવ્યા
હતા. આમ ત્રણે વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એચ.
આર. જેઠી ચલાવી રહ્યા છે. બીજી તરફ એલસીબીની ટીમે હુસેનને ઝડપી તેની પાસેથી રોકડ રૂા.
28 લાખ રિકવર કર્યા છે અન્ય બે આરોપીને
ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં છે.