નવી દિલ્હી,
તા. 25 : ભારતીય
સેનાના જવાનો પાંચ વર્ષ બાદ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે. નવી માર્ગદર્શિકા જારી
કરતાં દેશની સેનાએ જવાનોને ઈન્સ્ટાગ્રામ પર રીલ, ફોટો,
વીડિયો જોવાની છૂટ આપી હતી. જો કે, આવી સામગ્રીઓ
પર કોઈ પણ જાતની કોમેન્ટ સૈનિકો નહીં કરી શકે. સેનાએ જવાનોને કેટલીક કડક પાબંદીઓ સાથે
આ છૂટ આપી છે. ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ માત્ર જોવા અને નજર રાખવાના હેતુ સાથે કરી શકશે.
સૈનિકો કોઈ પ્રકારની પોસ્ટ નહીં કરી શકે તેમજ કોઈ પણ પોસ્ટ પર લાઈક કે કોમેન્ટ નહીં
કરી શકે. સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર આસપાસની
ગતિવિધિઓ પર નજર રાખવા, માહિતી મેળવવા કરી શકાશે. સેનાએ એવું
પણ જણાવ્યું હતું કે, નવી માર્ગદર્શિકા મુજબ સૈનિકો વોટ્સએપ,
ટેલિગ્રામ જેવી એપ્સ પર ગોપનીય કે સંવેદનશીલ નથી તેવી જાણકારીઓની આપ-લે
કરી શકશે. એ સિવાય યુ-ટયુબ અને `એક્સ'નો ઉપયોગ પણ માત્ર જાણકારી મેળવવા કરી શકાશે. સ્કાઈપ, લિન્ક્ડ ઈન અને સિગ્નલ એપ માટે પણ નિયમો જારી કરાયા છે. સેનાએ એવું પણ સ્પષ્ટ
કર્યું હતું કે, સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગની જવાબદારી જવાનોની
રહેશે. ભંગ કરનાર સામે શિસ્તભંગના પગલાં લેવાશે. ભારતીય સૈનિકોના સોશિયલ મીડિયા પર
હનીટ્રેપ થતાં પાક ગુપ્તચર એજન્સી આઈએસઆઈને ઘણી સંવેદનશીલ માહિતી પહોંચતી હોવાની ઘટનાઓ
બાદ 2020માં સોશિયલ
મીડિયા પર સેનાએ પાબંદી મૂકી દીધી હતી. નવી વ્યવસ્થા હેઠળ, સૈનિક સોશિયલ મીડિયા ઉપર કોઈપણ ફર્જી, ભ્રામક કે સંદિગ્ધ
પોસ્ટને જોવે તો તેની જાણકારી પોતાના વરિષ્ઠ
અધિકારીને આપી શકશે. આ સુચના યુદ્ધ અને દુષ્પ્રચાર સામે સેનાની આંતરીક સતર્કતાને મજબૂત
બનાવવામાં મદદ કરશે. ભારતીય સેના સમયાંતરે ફેસબુક, એક્સ અને ઇન્સ્ટાગ્રામ
જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગ અંગે દિશાનિર્દેશ જારી કરતી રહી છે. સુરક્ષા
કારણોસર પહેલા પણ સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા. વિદેશી
એજન્સીઓ દ્વારા બિછાવવામાં આવેલા હની ટ્રેપમાં ફસાઈને અમુક સૈનિકોથી અજાણતા સંવેદનશીલ
જાણકારીઓ લીક થઈ હતી. આવા બનાવો ઉપર અંકુશ મેળવવામાં પણ દિશાનિર્દેશો મદદરૂપ બની શકશે.