ભુજ, તા. 25 : સદ્ગુરુ
ધ્યાની સ્વામીજીના અનુગામી શાત્રી સ્વામી પૂ. સત્સંગભૂષણદાસજી દ્વારા કચ્છના સાત શહેરમાં
શાકોત્સવની ઉજવણી કરાઈ હતી. સ્વામિનારાયણ ગુરુકુલ આણંદ (વઘાસી)ના મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા
મહોત્સવના ઉપક્રમે કચ્છમાં બહોળો સત્સંગ સમુદાય ધરાવતા સંપ્રદાયના બ્રહ્મનિષ્ઠ સંત
પૂ. ધ્યાની સ્વામીના અનુગામી સંત સાહિત્યાચાર્ય સત્સંગભૂષણદાસજી અને તેમનાં સંતમંડળ
દ્વારા કચ્છના રાપર, ભચાઉ, અંજાર,
આદિપુર, ગાંધીધામ, માંડવી
તેમજ ભુજ- માધાપર મધ્યે સ્વામિનારાયણ સંપ્રદાયનો વિખ્યાત શાકોત્સવ યોજાયો હતો. શાકોત્સવમાં
શાત્રી સ્વામી સત્સંગભૂષણદાસજીએ ભક્તોને વ્યસનમુક્તિ, સદાચાર
અને સનાતન ધર્મની પરંપરાને અનુસરવાની શીખ આપી હતી અને આગામી પૂનમના આણંદ (વઘાસી) ખાતે
શાકોત્સવમાં ઉપસ્થિતિની અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, લગભગ
40 વર્ષ સુધી ભુજ સ્વામિનારાયણ મંદિરમાં
રહીને સતસંગ ઉપરાંત સમાજલક્ષી સેવાઓ કરનાર મૂર્ધન્ય સંત ધ્યાની સ્વામીએ કચ્છના ભૂકંપપીડિતો
માટે લગભગ એક વર્ષ સુધી સદાવ્રત ચલાવ્યું હતું. ઉપરાંત જે-તે વખતે કચ્છમાં દુષ્કાળ, અતિવૃષ્ટિ વખતે પણ પૂ. ધ્યાની સ્વામીના શિષ્યમંડળ દ્વારા સમાજ ઉપયોગી સેવાઓ
કરાઈ હતી, જે આજે પણ ચાલુ છે. આયોજનમાં સંતમંડળ સાથે ઘનશ્યામ
માનવસેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ મધુભાઈ સોની, રાજેશ ભટ્ટ,
મેહુલ મહેતા અને દિલીપ ઠક્કર સાથે રહ્યા હતા. આ શાકોત્સવને સફળ બનાવવા
માટે ધ્યાની સ્વામીજીનાં શિષ્યમંડળના ઘનશ્યામ મહારાજ સેવક મંડળના હરિભક્તોએ જહેમત ઉઠાવી
હતી.