નવી દિલ્હી,
તા. રપ : ભારતે પોતાની પરમાણુ સબમરીન આઈએનએસ અરિઘાત પરથી કે-4 બેલેસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.
જેથી ભારત 3500 કિમી સુધી
પરમાણુ હુમલો કરવા સક્ષમ બન્યુ છે. કે-4 મિસાઇલનું
આ બીજું પરીક્ષણ હતું. ગયા વર્ષે આ જ સબમરીનથી પહેલું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું.
આ પરીક્ષણ સિસ્ટમને સંપૂર્ણ કાર્યકારી ક્ષમતા તરફ એક પગલું ગણાય છે તે ડીઆરડીઓ દ્વારા
વિકસિત તે ભારતની પ્રક્ષેપણ ક્ષમતાને મજબૂત બનાવશે. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું
કે મંગળવારે ભારતે લગભગ 3500 કિમીની
રેન્જ સાથે પરમાણુ સક્ષમ કે-4 સબમરીન
લોન્ચ બેલિસ્ટિક મિસાઇલ (એસએલબીએમ)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. બંગાળની ખાડીમાં
વિશાખાપટ્ટનમના દરિયાકિનારે આઈએનએસ અરિઘાત પરમાણુ સંચાલિત સબમરીનથી મિસાઇલનું પરીક્ષણ
કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડના ઓપરેશનલ નિયંત્રણ હેઠળ
કરવામાં આવ્યું હતું. આઈએનએસ અરિઘાતને ઓગસ્ટ 2024 માં
ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી હતી. આશરે 6000 ટન
વજન ધરાવતી આ સબમરીન 3500 કિમીની
રેન્જ સાથે કે-4 મિસાઇલો વહન કરવામાં સક્ષમ છે
અને ભારતની વ્યૂહાત્મક શક્તિને વધારે છે. અગાઉ ભારતની પ્રથમ પરમાણુ-સંચાલિત સબમરીન
આઈએનએસ અરિહંત (2016માં કમિશન્ડ)માં
750 કિમીની રેન્જ સાથે કે-15 મિસાઇલો તૈનાત કરી હતી. અમેરિકા, રશિયા અને ચીન પાસે પહેલાથી જ 5000 કિમીથી વધુ રેન્જ સાથે એસએલબીએમ ક્ષમતા છે. પરિણામે
કે-4 કાર્યક્રમ ભારતની વૈશ્વિક વ્યૂહાત્મક
ક્ષમતાઓને નવી ઊંચાઈઓ પર પહોંચાડશે.