• બુધવાર, 24 ડિસેમ્બર, 2025

ન્યૂઝીલેન્ડ સાથે મુક્ત વેપારનો કરાર આવકારદાયક

અમેરિકાએ ભારતની આયાત સામે ટેરિફનો ગંભીર અંતરાય ઊભો કર્યા બાદ સરકારે તેની નકારાત્મક અસરને દૂર કરવા વ્યાપક પ્રયાસ હાથ ધર્યા છે. આ પ્રયાસના ભાગરૂપે ભારતે વિવિધ દેશોની સાથે મુક્ત વેપાર કરાર કરવા પર તાકીદનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઓમાન બાદ હવે ભારતે ન્યૂઝીલેન્ડની સાથે મુક્ત વેપારનો કરાર કરીને પોતાના પ્રયાસો ગંભીર હોવાની પ્રતીતિ દેશ અને દુનિયાને કરાવી આપી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના આ મુક્ત વેપાર કરાર (એફટીએ)થી દેશના વેપારીઓથી માંડીને કિસાનો અને નાના ઉદ્યોગ સાહસિકોને સારો એવો ફાયદો થશે એવી અપેક્ષા રખાઈ રહી છે.  આ કરાર અમલી બનતાંની સાથે ન્યૂઝીલેન્ડ ભારતથી થતી આયાત પર કોઈ વેરો વસૂલશે નહીં અને ભારત તેને ત્યાં આયાત થતા ન્યૂઝીલેન્ડના 9પ ટકા ઉત્પાદનો પર શૂન્ય અથવા બહુ ઓછો આયાત વેરો વસૂલશે. નોંધપાત્ર બાબત એ છે કે, ડેરી ઉત્પાદનોમાં અગ્રેસર ન્યૂઝીલેન્ડની ભારતમાં ડેરી આયાતોને એફટીએમાં કોઈ રાહત આપાઈ નથી.  દેશના કિસાનો, પશુપાલકો અને ડેરી ઉદ્યોગના હિતોના જતન માટે ભારત સરકારે આ વલણ લીધું છે. ગયા માર્ચ માહિનામાં ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લકસન ભારત આવ્યા ત્યારે આ ચાવીરૂપ વેપાર કરાર પર સમજૂતી સધાઈ હતી. બન્ને દેશો વચ્ચે 2023માં દ્વિપક્ષીય વેપાર બહુ ઓછો એટલે કે,1.7પ અબજ ડોલર જ હતો. જે ગયા વર્ષે 2.07 અબજ ડોલર થયો હતો. હવે આ એફટીએની મદદથી આગામી પાંચ વર્ષમાં આ વેપારને બે ગણો કરવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. સાથોસાથ બન્ને દેશોએ સેવા, રોકાણ અને ઉત્પાદનોમાં સહયોગ વધારવાની સંમતિ પણ સાધી છે. આગામી 1પ વર્ષમાં ન્યૂઝીલેન્ડ ભારતમાં 20 અબજ ડેલરનું રોકાણ કરાવા તૈયાર થયું છે. આમ આ એફટીએથી બન્ને દેશો વચ્ચેના આર્થિક સંબંધો વધુ ગાઢ બનશે. એફટીએની સાથોસાથ મજબૂત બની રહેલા સંબંધોથી એવી આશા જાગી રહી છે કે, આગામી સમયમાં નવા સંશોધન, વેપારીઓ, કિસાનો અને નાના ઉદ્યોગ સાહસિકો માટે વિકાસનાં નવાં ક્ષેત્રો ઉપલબ્ધ બની શકશે. આ એફટીએનું સ્વરૂપ યુરોપીયન ફ્રી ટ્રેડ એસોસીએશન મુજબનું રખાશે. આનાથી ભારતમાં ઉત્પાદન, માળખાંકીય સુવિધાઓ, સેવાઓ સહિતનાં ક્ષેત્રો ઉપરાંત રોજગારલક્ષી સાહસોમાં ન્યૂઝીલેન્ડના રોકાણનો માર્ગ મોકળો બનશે, તો ખેતી અને પશુપાલન ઉપરાંત ડેરી ટેક્નોલોજીમાં ન્યૂઝીલન્ડની ફાવટનો લાભ પણ ભારતને મળતો થશે. ભારતે છેલ્લા પાંચ વર્ષમાં દુનિયામાં સાત ચાવીરૂપ વેપાર સમજૂતી કરી છે. 2021માં મોરેસિયસ, 2022માં ઓસ્ટ્રેલિયા, 2023મા યુએઈ, 2024માં યુરોપીયન વેપાર સંઘ, 202પમાં બ્રિટન અને ઓમાન બાદ હવે ન્યૂઝીલેન્ડ. આમ આ મુક્ત વેપાર કરાર ભારતના આર્થિક મહત્ત્વની વૈશ્વિસ સાબિતી સામન છે. આગામી દિવસોમાં અમેરિકા પણ વાસ્તવિકતા સમજીને આવો કરાર કરશે એવા સંજોગો આકાર લઈ રહ્યા છે.

Panchang

dd