• શુક્રવાર, 26 ડિસેમ્બર, 2025

ગાંધીધામની વેબસાઈટ- મોબાઈલ એપ્લિકેશન

ગાંધીધામ, તા. 25 : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જન સુવિધા અર્થે વેબસાઈટ તેમજ અપગ્રેડ મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરો અને સંકુલના લોકો ઘરબેઠાં વેબસાઈટ તથા મોબાઇલ એપનાં માધ્યમથી ફરિયાદો કરી શકશે અને મિલકત વેરો તથા વ્યાવસાયિક વેરાની પણ ભરપાઈ કરી શકશે, ઘણા લાંબા સમય પછી નવી વેબસાઈટ બનાવવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા મોબાઈલ એપ્લિકેશન ઘણા લાંબા સમયથી કાર્યરત કરવામાં આવી છે. તેની ઉપર લોકો રોડ, રસ્તા, પાણી, ગટર સફાઈ, લાઈટ સહિતની ફરિયાદો કરે છે. છતાં પણ ફરિયાદોનો નિકાલ આવતો નથી. સમયાંતરે સમીક્ષા કરવામાં આવી હોવા છતાં પ્રગતિ જોવા મળતી ન હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ એપ્લિકેશન વ્યવસ્થિત કાર્યરત થઈ છે. કમિશનર મનીષ ગુરુવાણીની  સૂચના પછી ફરિયાદો ઉપર પણ કામગીરી થઈ રહી છે. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને મ્યુનિસિપલ કમિશનર ગુરુવાણી તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજને મેહુલ દેસાઈએ ગાંધીધામ મહાનગરપાલિકાની વેબસાઈટ તથા અપગ્રેડ મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી હતી. લોકો વેબસાઈટ અને એપ્લિકેશન ઉપરથી ટેક્સ ભરી શકશે અને પોતાને સ્પર્શતી સમસ્યાઓની ફરિયાદો પણ કરી શકશે. આ નવી સુવિધાઓથી પારદર્શિતા આવવાની સંભાવનાઓ છે અને લોકોના કચેરી સુધીના ધક્કા  બચશે તેવી  શક્યતા છે.

સિટીઝન ફરિયાદ માટે 155304 નંબર જાહેર કરાયો

મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા નાગરિકો મોબાઇલ એપ્લિકેશન અથવા તો વેબસાઈટ મારફતે ફરિયાદ કરવામાં અસમર્થ હોય, તેમના માટે ફરિયાદ કરવા લેન્ડલાઈન નંબર 155304 જાહેર કરવામાં આવ્યો છે. લોકો આ નંબર ઉપર ફોન કરીને પોતાને કનડતી સમસ્યાઓની ફરિયાદ નોંધાવી શકશે. વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન ઉપરાંત આ નંબર ઉપર આવતી ફરિયાદોની દર અઠવાડિયે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સમીક્ષા કરવામાં આવશે અને લોકોની સમસ્યાઓનો સમયસર યોગ્ય નિકાલ થાય, તે દિશામાં પગલાં ભરવામાં આવશે તેવું તંત્ર કઈ રહ્યું છે.

Panchang

dd