ભુજ, તા. 25 : કાશ્મીર
સહિત દેશના ઉત્તરિય ભાગોમાં થયેલી હિમવર્ષા તેમજ ઉત્તર-પૂર્વની પરંપરાગત શિયાળુ દિશામાં
શરૂ થયેલા પવનોની અસરથી રણપ્રદેશ કચ્છમાં શિયાળુ ઠારની ધાર તીક્ષ્ણ બનવાની શરૂઆત થઈ
ચૂકી છે. કચ્છનું પરંપરાગત શીતમથક નલિયા ગુરુવારે 10.3 ડિગ્રી
સેલ્સિયસ સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી ઠંડું સ્થળ બની રહ્યું હતું. નલિયા અને આસપાસના
ગ્રામીણ પંથકનાં ગામડાંઓમાં રાત્રે જનજીવન પોષી પાંચમે ઠારમાં થરથર્યું હતું. જિલ્લા
મથક ભુજમાં 13.8 ડિગ્રીથી નીચું
રહેતાં રાત્રે રણપ્રદેશમાં સાર્વત્રિક શીતલહેર ફરી વળી હતી. રાપર અને ખાવડામાં 11 ડિગ્રી સાથે વાગડ પંથક તેમજ રણકાંધીના સીમાવર્તી માકપટથી
માંડી આહીરપટ્ટી, પાવરપટ્ટી પંથકનાં ગામડાંઓમાં ઠારથી બચવા જનજીવન વેળાસર ઘરોમાં
ઢબુરાવા માંડયું હતું. ખુલ્લામાં મોડે સુધી પેટિયું રળવાની અને કાચાં મકાન,
ઝૂંપડપટ્ટીમાં જીવવની લાચારી વેઠતા શ્રમિક પરિવારોની હાલત કફોડી થઈ હતી.
ઊની વત્રોથી માંડીને વસાણા સુધીની મોસમી બજારમાં ઠંડી પ્રેરિત ગરમી આવી હતી. પગ-માથું
ખુલ્લું નહીં રાખવાની સલાહ તબીબી જગતે આપવા માંડી હતી.