સરકારી કચેરીઓના નાના કે
મધ્યમકક્ષાના કર્મચારીઓ એન્ટિકરપ્શન બ્યૂરોની ઝપટે ચડતા હોય તેવા કિસ્સા અનેક હોય
છે, પરંતુ
જિલ્લા કલેક્ટર કક્ષાના અધિકારી વિરુદ્ધ ફરિયાદ થાય અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર
ફરિયાદી બને તે બાબત અત્યંત ગંભીર છે. હવેનો વહીવટ ભ્રષ્ટાચાર મુક્ત હોવાના દાવા
પોકળ સાબિત કરતો કિસ્સો સુરેન્દ્રનગરમાં બહાર આવ્યો છે. આ પ્રકરણમાં સંડોવાયેલા
મનાતા નાયબ મામલતદાર તો સસ્પેન્ડ થયા છે, પરંતુ કલેક્ટર
વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. પ્રકરણની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ આક્ષેપ
કરાય નહીં તે વાત સાચી છે, પરંતુ ઈડી જેવી મોટી એજન્સી અને
કલેક્ટર કક્ષાના અધિકારી આ બંને મુદ્દા અગત્યના છે. કંઈ બન્યું જ ન હોય તો ઈડી આવી
તપાસ ન કરે. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન
બિનખેતી કરવાના કિસ્સાઓનું કૌભાંડ હોવાનું ખુલ્યું છે. કૌભાંડનો આંક 1500 કરોડ
છે. મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચાર હોવો જરા પણ નવાઈની વાત નથી. રાશનકાર્ડથી માંડીને
આવા બિનખેતી જેવા પ્રકરણોના ભાવ નક્કી હોય છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના સેવા સદનનો આ
આંક લોકોના મોંમાં આંગળા નખાવી ગયો છે. ખેતીની જમીનને બિનખેતીમાં પરિવર્તિત કરાવવા
માટે કલેક્ટર કચેરીમાં પૈસા લેવાતા હોવાની બૂમ ઘણા સમયથી ઊઠી હતી. 23મી
તારીખે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર્સની ઓફિસમાંથી તપાસ થઈ, જેમાં સુરેન્દ્રનગરના
નાયબ મામલતદારના ઘરમાંથી 67.50 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા.
તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરાયા છે. માધ્યમોના અહેવાલ અનુસાર કલેક્ટરના
બંગલામાંથી 100 ફાઈલ કબજે થઈ છે. જેમણે તપાસ આદરી છે તે
એજન્સીના ધ્યાનમાં એવું પણ આવ્યું છે કે,
કેસના ઉકેલમાં વિલંબ ન થાય તે માટે થઈને સ્પીડ મનીથી પૈસા વસૂલાતા
હતા. નાયબ મામલતદારના ફોનમાંથી આર્થિક વ્યવહારો થયા હોવાની પણ શંકા ઈડીને છે. ઈડીએ
આ મુદ્દે કલેક્ટર, તેમના અંગત સચિવ, નાયબ
મામલતદાર સહિતના અધિકારીઓ વિરુદ્ધ એન્ટિકરપ્શન બ્યૂરોમાં એફઆઈઆર નોંધાવી છે.
ભ્રષ્ટાચાર થયો છે કે નહીં ? તે તો તપાસ પૂર્ણ થયા પછી ખબર
પડશે, પરંતુ ઈડી જેવી એજન્સી જ્યારે કલેક્ટર કક્ષાના અધિકારી
વિરુદ્ધ ફરિયાદ નોંધાવે ત્યારે વાત પાયાવિહોણી ન હોય તે પણ ધારી શકાય. આ પ્રકરણમાં
જે ચર્ચા છે તે પ્રમાણે વિગતો ખૂલે તો મુદ્દો અત્યંત ગંભીર છે. કારણ કે, 1500 કરોડનું
કૌભાંડ નાની ઘટના નથી.