ગાંધીધામ, તા. 30 : કચ્છના લોકપ્રિય અખબાર કચ્છમિત્રની 79મી
વર્ષગાંઠ ઊજવાઈ રહી છે. આ સાથે સ્વામિનારાયણ મંદિરમાં પણ હિંડોળા દર્શન ઊજવાઈ રહ્યા છે, ત્યારે ભચાઉના નવાગામ સ્વામિનારાયણ મંદિર ખાતે કચ્છમિત્રના દાયકાઓ જૂના
અંકો, વિશેષાંકોના હિંડોળા તૈયાર કરી કચ્છના ધબકાર એવા કચ્છમિત્રના
જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. કચ્છમિત્ર ભચાઉ બ્યૂરો ઓફિસના મનસુખભાઈ ઠક્કર,
કમલેશભાઈ ઠક્કર, દિલીપભાઈ ઠક્કર દ્વારા આજે હિંડોળા
દર્શનમાં 20 જુલાઈ અને
તેની આજુબાજુના વર્ષગાંઠના દૈનિકના કટિંગ અને કચ્છમિત્રના દર વર્ષે બહાર પડાતા કચ્છમિત્રના દીપોત્સવી 1985થી આજ સુધીના 45 વર્ષના અંકો અને કચ્છમિત્ર
દ્વારા બહાર પડાતા કચ્છ તારી અસ્મિતા ભાગ 1 અને ભાગ-2, નર્મદાના અંકો, કચ્છી
નવું વર્ષ, અષાઢી બીજના અંકો, હીરક જયંતી
વિશેષાંક, રણભૂમિમાં રેવા
વિગેરેના જૂના અંકોના આકર્ષક હિંડોળામાં ભગવાન ઝૂલી રહ્યા છે. આ મંદિરમાં કુલ 11 હિંડોળા દર્શન યોજાઈ રહ્યા છે અને બદ્રીકા આશ્રમના આબેહૂબ દર્શન
થાય છે. ભુજ ચોવીસીથી હરિભક્તો દર્શન કરવા
આવે છે.નવાગામ ભચાઉથી સાત કિલોમીટર દૂર વાડીવિસ્તારમાં ભગવાન સ્વામિનારાયણ મંદિરમાં
પરંપરાગત રીતે હિંડોળા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. મહોત્સવના સંચાલક અને આ કાર્યમાં
મહત્ત્વનું યોગદાન આપનાર ઉમેદભાઈ નિસરે જણાવ્યું હતું કે અભ્યાસકાળથી કચ્છમિત્રનું વાંચન કરુ છું. મુંબઈમાં
પણ અચુક કચ્છમિત્ર મગાવીને વાંચન કરું છું. વધુમાં તેમણે કચ્છમિત્રની 79મી વર્ષગાંઠની શુભેચ્છા પાઠવી હતી. અંકો
લાવનારા કચ્છમિત્રના પત્રકાર અને મંદિરના હરિભક્ત મનસુખભાઈ, કમલેશભાઈ અને દિલીપભાઈનું સ્વાગત કરી
હિંડોળા ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. કચ્છમિત્રની
79મી
વર્ષગાંઠની શુભેચ્છા મોવડી મંડળને આપવામાં આવી હતી. આ સાથે દામજી કરશન, પૂજારી રમેશ મારાજ, રબારી
યુવાન સહિત સહયોગી બની રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, કચ્છમિત્ર
દેશ દુનિયા સુધી અમારા સમાચાર પહોંચાડે છે. કચ્છમિત્રના અંકોના દર્શન બે દિવસ 1 ઓગસ્ટ સુધી રહેશે. આ પૂર્વે મંદિરમાં ભુજ
મંદિરના મહંત ધર્મનંદનદાસજી સ્વામી, અ.નિ. પ્રેમપ્રકાશ સ્વામીના મંડળના સંતો,
ડો.સત્યપ્રકાશદાસજી, ધર્મવત્સલ સ્વામી હાજર રહ્યા
હતા.