• શુક્રવાર, 01 ઑગસ્ટ, 2025

મુંદરામાં દર્શનાર્થી વૃદ્ધને ક્રેઇને કચડતા લોકો લાલધૂમ

ભુજ/મુંદરા, તા. 30 : મુંદરાના  શાત્રી મેદાન પાસે આજે સાંજે મંદિરમાંથી દર્શન કરી બહાર આવતા દેરી પાસે દર્શનમાં લીન પંચાવન વર્ષીય ઉમેદભાઇ જલેન્દ્ર ઝાલા (માલમ) પર પૂરપાટ આવતા ભારેખમ ક્રેઇને કચડી નાખતાં તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ હચમચાવનારા બનાવના જીવંત દૃશ્યો નજીકના સીસી ટીવી કેમેરામાં કેદ થયા હતા. માતેલા સાંઢની જેમ પૂરપાટ દોડતા ભારેખમ વાહનોની આ માર્ગ પર અવર-જવરને લઇ અને આ કરુણ બનાવથી સ્થાનિક લોકો લાલધૂમ બન્યા હતા. અને જોતજોતામાં રસ્તા પર ઉતરી ભારે વાહનો માટે આ માર્ગ બંધ કરવાની માંગણી સાથે ચક્કાજામ કર્યા હતા. પોલીસ તથા અન્યોએ સમજાવ્યા પણ લોકો તેની માંગ પર અડગ રહેતા રાતે વહીવટી તંત્રે લેખિત ભારે વાહનો માટે રસ્તા બંધનું પત્ર આપતા સ્થિતિ થાળે પડી હતી. આ હૃદયદ્રાવક બનાવ અંગે સંબંધિત સૂત્રો અને પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ મુંદરાના ખારવા ચોકમાં રહેતા આ ઉમેદભાઇ ખારવા સમાજના અગ્રણી અને ધાર્મિક પ્રકૃત્તિ ધરાવતા હતા. રોજ સાંજે  સાઇકલ લઇ રોકડિયા હનુમાન મંદિર, દરિયાલાલ મંદિર વગેરે દર્શનનો તેમનો નિત્યક્રમ હતો. આ નિત્યક્રમ મુજબ રોકડિયા હનુમાનના દર્શન કરી આજે સાંજે ચાર વાગ્યાના અરસામાં મંદિર બહાર દેરી પાસે દર્શનમાં લીન હતા ત્યારે પૂરપાટ ધસમસતી આવતી ક્રેન નં. જી.જે. 12 સી.એન.-8652ના ચાલકે તેને કચડી નાખતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. પોલીસે ક્રેન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. દરમ્યાન, મુન્દ્રામાં જુના બંદર રોડ પર સાંજે થયેલા આ અકસ્માત સંદર્ભે સ્થાનિકેથી મળતી વિગતો મુજબ, અકસ્માત બાદ લોકોમાં ઉગ્ર રોષ વ્યાપ્યો હતો અને થોડા સમયમાં એકત્રિત થઈ અને શાસ્ત્રી મેદાનના સર્કલ પાસે મહિલાઓ સહિત રસ્તા પર બેસી માર્ગો બંધ કરી દઇ રામધૂન બોલાવી હતી. થોડા સમયમાં જ નદીવાળા નાકે તેમજ જુના બંદર પોર્ટ તરફ જતા માર્ગો પર વાહનોનો ખડકલો થઈ ગયો હતો. ખાસ કરીને ખારવા સમાજ સહિત સ્થાનિકોએ જ્યાં સુધી ' મોટા વાહનોને આ રસ્તે આવવાની મનાઈ ફરમાવવામાં આવે ' એવી લેખિત ખાતરી ન મળે ત્યાં સુધી રસ્તો ચક્કાજામ રહેશે તેવી માંગણી કરી હતી. ઘટનાના થોડા સમય બાદ પોલીસ પણ આવી ગઇ ને પરિસ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. રાજકીય આગેવાનો પણ સ્થળ ઉપર આવી ગયા હતા  પરંતુ લોકોનો જલદ રોષ હતો. મોટી સંખ્યામાં ખારવા સમાજની મહિલાઓએ આ ઘટના બાદ આકરા રોષ સાથે જણાવ્યું હતું કે, આ રસ્તે કોલેજો, શાળાઓ, હોસ્પિટલ બગીચા નજીકમાં છે અને દિવસે તેમજ રાત્રે વાકિંગ માટે પણ લોકોની અવરજવર રહે છે ત્યારે ભારે વાહનોની અવરજવર ગંભીર જોખમ સર્જે છે. જેથી માર્ગ પર બસો , ભારે વાહનને બંધ કરી દેવા જોઈએ. નોંધનીય છે કે અહીં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે, અને બેફામ વાહનો દોડી રહ્યા છે. ખાસ કરીને આર. ડી. હાઇસ્કુલથી બંદર તરફ જતા આ રોડ પર કોઈ પણ સ્પીડ બેકર નથી, અને બેફામ વાહનો દોડાવવામાં આવે છે. અગાઉ પણ આવા અકસ્માત થઈ ચૂક્યા છે અને સ્પીડબેકર મુદ્દે પણ રજૂઆતો થઈ છે પરંતુ તંત્ર કોઈ યોગ્ય પગલાં લેતું નથી. આ રસ્તે પરિવહન સંદર્ભે પાબંદી જરૂરી બની છે. બીજું, અહીં ભારે વાહનો આવે છે કારણ કે અન્ય રસ્તે ઊંચો પ્રવેશ ચાર્જ લેવામાં આવે છે. એ ચાર્જથી બચવા માટે આ બસો અને વાહનો ગામની રહેણાક વસ્તીવાળી જગ્યાએથી પસાર થાય છે. આ વિસ્તારમાં બે થી ત્રણ મંદિરો, બગીચા , સ્કૂલના બાળકોની, રાહદારીઓની ભારે અવરજવર રહે છે છતાં કોઈના પેટનું પાણી હાલતું નથી અને આવા અકસ્માતો થઈ રહ્યા છે.  જોકે, મોડેથી લગભગ સાડા નવ વાગ્યાના અરસામાં મુન્દ્રા પ્રાંત કચેરી વતીથી શિરસ્તેદાર હરપાલાસિંહ વાઘેલા દ્વારા લેખિત ખાતરી આપવામાં આવી હતી. આ લેખિત ખાતરીમાં જણાવ્યા મુજબ, રજૂઆતોને પગલે હાલે શાસ્ત્રી મેદાનથી 24 નંબર રેલવે ફાટક સુધીના રસ્તા પર બેરીકેડ મૂકી ભારે વાહનોની અવરજવર બંધ કરાશે. તેમજ ભારે વાહનો માટે વૈકલ્પિક રસ્તો નક્કી થયેથી જૂના બંદર રોડ પર ભારે વાહનોના પ્રતિબંધ માટે જાહેરનામું બહાર પાડવાની દરખાસ્ત કરવામાં આવશે . પી.આઈ. એ પણ જાહેરમાં ખાતરી ઉચ્ચારી હતી કે આ નિર્ણયનો અમલ તુરત આજ રાતથી શરૂ થઈ જશે.  બીજી તરફ આ ઉગ્ર વિરોધ વચ્ચે નગર અધ્યક્ષા રચનાબેન પ્રણવભાઈ જોશી તેમજ અનેક રાજકીય, સામાજિક આગેવાનો હાજર થઈ રજૂઆતમાં જોડાયા અને તેમણે કહ્યું કે, આ બહુ દુ:ખદ ઘટના છે અને આ મુદ્દે સંકલન બેઠકોમાં તેમણે અગાઉ અનેકવાર રજૂઆતો કરી છે. લોકોના રોષ સંદર્ભે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદને પરિસ્થિતિ વાકેફ કર્યા હતા અને તેઓ દ્વારા કલેકટર તેમજ મુન્દ્રા પ્રાંત અધિકારી સમક્ષ ચર્ચા બાદ ટૂંકા ગાળામાં રસ્તો ભારે વાહનો માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ પહેલાં સ્થળ પર પ્રાગપર પીઆઇ શ્રી શિમ્પી , મુન્દ્રા પીઆઈ શ્રી ઠુમ્મર તેમજ શિરસ્તેદાર શ્રી વાઘેલા આવી ગયા હતા અને લોકો સાથે રહીને રજૂઆતો સાંભળી હતી . દરમિયાન, આદર્શ ટાવર પાસે રાત્રે કેબલ ટૂંકી પડતાં લગભગ બે અઢી કલાક સુધી લાઇટ પણ બંધ રહી હતી, અને અંધારપટમાં સમગ્ર રજૂઆતો અને ખાતરીની પ્રક્રિયા પાર પડી હતી.  

Panchang

dd