• શુક્રવાર, 01 ઑગસ્ટ, 2025

માધાપરના શખ્સ દ્વારા 2.50 કરોડની ઠગાઈ

ગાંધીધામ, તા. 30 : આદિપુરના વોર્ડ-2-બી વિસ્તારમાં એસ.આર.સી.ના પૂર્વ ચેરમેનની જમીન ઉપર ડુપ્લેક્સ બનાવી આપવાનું કહી ઠગબાજે ચાર લોકો પાસેથી રૂા. 2,50,68,000 જેટલી માતબર રકમ મેળવી લઈ તથા તેમના પ્લોટ, મકાનની ફાઈલો મેળવી લીધી હતી અને બાદમાં જમીન પર ડુપ્લેક્સ ન બનાવી તે જમીન બારોબાર અન્યને વેચી તે બાદ પણ બેંકમાંથી લોન મેળવી તેના હપ્તા ભર્યા નહોતા. ચકચારી એવા આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈ લોખંડવાલા મેઈન માર્કેટમાં રહેતા મૂળ માધાપરના જગદીશ હરિલાલ બારમેડા નામના શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ બનાવનો ભોગ ફરિયાદી વિનાયક જેવલરામ અનંદાની તથા પ્રવીણસિંહ ગજુભા જાડેજા, રોહતાઝ સૈની અને અમિત હરજસરાય સુગવાની બન્યા હતા. આરોપીએ આદિપુરના વોર્ડ-2-બીમાં પ્લોટ નંબર 454 ઉપર ડુપ્લેક્સ બનાવવાની જાહેરાત કરી હતી, જેથી ફરિયાદીએ ડુપ્લેક્સ નંબર-બે માટે રૂા. 98,06,000, પ્રવીણસિંહ જાડેજાએ નંબર-પાંચની બુકિંગ માટે રૂા. 42,00,000 આપ્યા હતા, જેના આરોપીએ સાટાકરાર પણ કરી આપ્યા હતા તથા રોહતાઝ સૈનીએ ડુપ્લેક્સ નંબર-1 માટે રૂા. 1,01,00,000માં બુક કરાવી 70,11,000 ચૂકવી આપ્યા હતા. અમિત સુગવાનીએ ડુપ્લેક્સ નંબર-જી-1 રૂા. 40,51,000માં બુક કરાવી તમામ રકમ આપી દીધી હતી. આ ચારેય લોકો પાસેથી આરોપીએ કુલ રૂા. 2,50,68,000 મેળવી લીધા હતા. તેમજ ફરિયાદીના ગાંધીધામ વોર્ડ-8-બીમાં આવેલ ડુપ્લેક્સ, મેઘપર કુંભારડીનો પ્લોટ, રોહતાજનો આદિપુર વોર્ડ-3-બીમાં આવેલ ટેનામેન્ટ, સોદા પેટે આરોપીએ પોતાની પાસે જમા કરાવી લીધો હતો તેમજ પ્રવીણસિંહ જાડેજાના 4-બીમાં આવેલા ડુપ્લેક્સની ફાઈલ સોનમ ફાયનાન્સમાં ગિરો રાખી તેના પર રૂા. 20,00,000ની ઉધાર લઈ લીધી હતી. બાદમાં તેઓ આ રકમ ન ચૂકવતાં ભોગ બનનારે રકમ ચૂકવી પોતાના ડુપ્લેક્સની ફાઈલ છોડાવી હતી. રોહતાજ સૈનીના ડુપ્લેક્સ અંગે જગદીશ બારમેડા તથા જિતેન ભૂપેન્દ્ર ઠક્કર સાથે સાટા  કરાર કરાયો હતો, તેની અવેજીમાં આ શખ્સે ભોગ બનનારનું એક ટેનામેન્ટ પોતાની પાસે રાખી તેને વેચી નાખ્યું હતું. અમિત સુગવાનીએ ડુપ્લેક્સ માટે જગદીશની હાજરીમાં સુરેશ નિહાલણીને રકમ ચૂકવી આપી હતી. આરોપીએ આ પ્લોટના મૂળ માલિક અશોક હોતચંદ આડવાણી, હીરો હોતચંદ આડવાણીના પાવરદાર સુરેશ નિહાલાણી સાથે સેલ એગ્રીમેન્ટ કર્યા હતા બાદમાં આ જ પ્લોટનું અન્ય એગ્રીમેન્ટ જગદીશ બારમેડાને કરી આપવામાં આવ્યું હતું. પાછળથી તે રદ કરાયું હતું, બાદમાં આરોપીએ આ જ પ્લોટ અન્ય વ્યક્તિને વેચી નાખતા તેના દ્વારા પ્લોટ ઉપર બાંધકામ કરવામાં આવ્યું હતું. આ શખ્સ આટલાથી અટક્યો નહોતો અને આ જ પ્લોટ ઉપર એલ.આઈ.સી. હાઉસિંગ ફાયનાન્સ લિમિટેડ પાસે ગિરો રાખી રૂા. 78,75,000ની લોન મેળવી લીધી હતી. જે લોનની ભરપાઈ કરાઈ નથી કે પ્લોટનો નકશો જી.ડી.એ.માં પાસ કરાયો નથી તથા એસ.આર.સી. કે કે.પી.ટી.માંથી ના-વાંધા પ્રમાણપત્ર પણ મેળવાયું નથી. મુંબઈના આ શખ્સો ચાર લોકો સાથે રૂા. 2,50,68,000ની છેતરપિંડી, વિશ્વાસઘાત કરતા વર્ષ 2015થી 2025 દરમ્યાન બનેલા આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd