• શુક્રવાર, 01 ઑગસ્ટ, 2025

ટ્રમ્પે ભારત પર ઝીંક્યો 25 ટકા ટેરિફ

વોશિંગ્ટન, તા. 30 : ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર સમજૂતીને લઈને દિવસોથી ચાલી રહેલી મડાગાંઠ અને અનિશ્ચિતતાઓ વચ્ચે યુ.એસ. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પહેલી ઓગસ્ટથી 2પ ટકા ટેરિફનો બોમ્બ ફોડી નાખ્યો છે. ટ્રમ્પે ભારત પર 2પ ટકા ઉપરાંત દંડની જાહેરાત કરતાં ભારતના ઊંચા દરો, રશિયા પાસેથી મોટા પાયે લશ્કરી સાધનો અને ઈંધણની ખરીદી અને વ્યાપાર સામેના અપ્રિય અવરોધોને ટાંક્યા હતા. ભારત સરકારે જણાવ્યું હતું કે, તે આ નિવેદનનું સંજ્ઞાન લઇ ચૂકી છે અને તેની અસરોનો અભ્યાસ કરી રહી છે. દેશના હિત માટે તમામ જરૂરી પગલાં ઉઠાવાશે. એક અમેરિકી ટીમ વ્યાપાર સમજૂતી માટે 2પ ઓગસ્ટે ભારત આવશે, એવી જાહેરાતના એક જ દિવસ બાદ ટ્રમ્પનું આ અણધાર્યું ટેરિફ એલાન નવી દિલ્હી પર દબાણની પ્રયુક્તિ સમાન મનાય છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ટેરિફની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ભારત સારું મિત્ર છે, પણ બધી બાબતો સારી નથી, માટે તેણે પહેલી ઓગસ્ટથી 2પ ટકા ટેરિફ ઉપરાંત દંડ પણ ભરવો પડશે. જો કે, ટ્રમ્પે કેટલો દંડ તેનો ઉલ્લેખ કર્યો નથી. ભારત પર ટેરિફની ટ્રમ્પની જાહેરાતને પગલે ભારતમાં ઉચાટ ફેલાયો છે અને શેરબજાર પર તેની વિપરિત અસરની પણ ભીતિ છે. એ સ્પષ્ટ થયું નથી કે, 10 ટકા બેઝલાઇન ટેરિફ ઉપરાંત 25 ટકા ટેરિફ લાદવામાં આવશે કે નહીં. ટ્રમ્પે કહ્યું હતું કે, જ્યારે દરેક જણ એમ ઇચ્છી રહ્યું છે કે, રશિયા યુક્રેનમાં હત્યાઓ અટકાવે ત્યારે જ ભારત રૂસ પાસેથી મોટા પાયે લશ્કરી સાધન-સરંજામ ખરીદે છે. સરકારે જણાવ્યું હતું કે, ભારત વ્યાપાર સમજૂતીના ઉદ્દેશો માટે પ્રતિબદ્ધ છે અમે દેશના કિસાનો, ઉદ્યોગ સાહસિકોના હિતોને પ્રાથમિકતા આપીએ છીએ. ટ્રમ્પે નવા દુનિયાના તમામ દેશો માટે નવા ટેરિફની ઘોષણા કરી ત્યારબાદ અમેરિકા સાથે વ્યાપાર કરાર માટે ભારત સૌપ્રથમ આગળ આવેલા દેશો પૈકી એક હતો. જો કે, અત્યાર સુધીમાં અનેક તબક્કાની વાટાઘાટ બાદ પણ બંને દેશ વચ્ચે વેપાર સમજૂતી થઈ શકી નથી. અમેરિકા માટે ભારતનાં કૃષિ અને ડેરી ક્ષેત્રને ખુલ્લા મૂકવાના ટ્રમ્પના દુરાગ્રહ સામે ભારતે નમતું નહીં જોખતાં અત્યાર સુધી આ સંધિ થઈ શકી નથી અને હજી આગામી માસે અમેરિકાનું પ્રતિનિધિમંડળ આવીને વધુ એક તબક્કાની વાટાઘાટો કરવાનું છે. જો કે, એ પહેલાં જ ટ્રમ્પ વિફરી ગયા છે અને આજે તેમણે પહેલી ઓગસ્ટથી અન્ય દેશો સાથે જ ભારત ઉપર 2પ ટકા ટેરિફ અને દંડ વસૂલાત શરૂ કરવાની જાહેરાત કરી નાખી છે. જો કે, ટ્રમ્પે ભારત ઉપર કેટલી પેનલ્ટી નાખવામાં આવશે તેનો ફોડ હજી પણ પાડયો નથી. ભારત ઉપર ટેરિફ લાદવાની ઘોષણા પછી મીડિયા દ્વારા કરવામાં આવેલા એક સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કેભારત મિત્ર દેશ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ મારા મિત્ર છે. જો કે, તેમની સાથે વેપાર સંધિ થઈ શકી નથી. ભારતે અન્ય તમામ દેશો કરતાં વધુ ટેરિફ અમેરિકા પાસેથી વસૂલેલો છે. જે થવું ન જોઈએ.  ઉલ્લેખનીય છે કે, છેલ્લા જુલાઈમાં જ વોશિંગ્ટનમાં ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સમજૂતી માટે પાંચમા તબક્કાની ચર્ચા થયેલી પણ તે અનિર્ણિત રહી હતી. હવે ઓગસ્ટના બીજા સપ્તાહમાં અમેરિકાની સરકારના વાટાઘાટકારો દિલ્હી આવીને ચર્ચાને આગળ વધારશે.   

Panchang

dd