મોસ્કો/ટોક્યો/ન્યૂયોર્ક,
તા. 30 : રશિયામાં
8.8ની તીવ્રતાનો દુનિયાનો અત્યાર
સુધીનો છઠ્ઠો સૌથી શક્તિશાળી ભૂકંપ આવતાં રશિયા અને જાપાનના કિનારે 3થી પ મીટર સુધીની સુનામીની લહેરો ત્રાટકી
છે. જાનમાલના ભારે નુકસાનની ભીતિ વચ્ચે અમેરિકાના અલાસ્કા-હવાઈ અને કેલિફોર્નિયા સુધી
ખતરો તોળાયો હતે. ભૂકંપ બાદ સુનામીને પગલે 8 દેશમાં મોટાપાયે સ્થળાંતર સાથે લાખો લોકો અસરગ્રસ્ત બન્યા છે.
પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં ભયનો માહોલ છે. સુનામી બાદ કિનારાઓ પર વ્હેલ સહિત માછલીઓ
તણાઈ આવી હતી અને લોકો ઉંચી ઈમારતો પર ચઢી ગયા હતા. હવાઈ ટાપુના કિનારે પ ફૂટની લહેરો
ઉઠી હતી. સુનામીને પગલે સંખ્યાબંધ લોકોને નાની મોટી ઇજાઓ થઇ હતી, મોડેથી રશિયા-જાપાને સુનામીની ચેતવણીઓ હળવી
બનાવી હતી. અમેરિકાના જિયોલોજિકલ સર્વે અનુસાર પૂર્વ રશિયાના કામચટકા ટાપુ પાસે ભારતીય
સમયાનુસાર બુધવારે સવારે 4:પ4 મિનિટે 8.8ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો હતો.જેનું કેન્દ્ર 19.3 કિમી ઉંડે પેટાળમાં હતું. રોયટર્સના
અહેવાલ મુજબ રશિયાના કામચટકામાં પ મીટર ઉંચી લહેરો ઉઠી છે. જેને કારણે અનેક ઈમારતોને
નુકસાન થયું છે. એક ઇમારત ધ્વસ્ત થયાનો વીડિયો વાયરલ થયો હતો. રશિયન સરકારે જાહેર કર્યું
કે આગોતરા ચેતવણી સિસ્ટમને કારણે મોટી જાનહાની થઈ નથી અને નાગરિકોને સલામત સ્થળે ખસેડી
લેવાયા હતા. કેટલીક બોટોને નુકસાન થવા સાથે કન્ટેઈનરો તણાઈ ગયા હતા. જાપાન સરકાર અનુસાર
ઉત્તર કિનારે 40 સેમી ઉંચી લહેરો ઉઠી છે અને
સુનામીની લહેરો એકથી વધુ દિવસ સુધી આવી શકે છે. કેલિફોર્નિયામાં નાગરિકોને કિનારાથી
દૂર રહેવા ચેતવણી આપવામાં આવી છે. અમેરિકાના કિનારે 3.6 ફૂટના મોજા ઉછળ્યા હતા. જાપાની
મીડિયા અનુસાર દેશના પુર્વ કિનારે એક ફૂટ ઉંચી સુનામી લહેરો ઉઠી છે. રાજધાની ટોકયોમાં
ર0 લાખ લોકોને સલામત સ્થળે ચાલ્યા જવા ચેતવણી
આપવામાં આવી છે. ફૂકુસીમા પરમાણુ મથકને ખાલી કરાવી સાવચેતીરુપ પગલાં લેવાયા છે. છેલ્લા
અહેવાલો મુજબ અમેરિકાના અલાસ્કા અને હવાઈ ટાપુ સુધી સુનામી લહેરો પહોંચી છે. રશિયામાં આવેલો આ ભૂકંપ 19પર બાદનો આ ક્ષેત્રનો સૌથી શક્તિશાળી માનવામાં
આવે છે. જેને પગલે રશિયા, જાપાન,
અમેરિકા, પેરુ, ચીન,
ફિલીપીન્સ, ન્યુઝીલેન્ડ, મેકિસકો સહિત અનેક દેશ માં સુનામી એલર્ટ જાહેર કરાયું છે. બુધવારે રાત્રે જાપાન
અને રશિયા સરકારે દેશના મોટાભાગમાંથી સુનામી ચેતવણી રદ કરી હતી. જાપાને આ પહેલા બીજી,ત્રીજી અને ચોથી સુનામી લહેર આવવાની ચેતવણી આપી હતી જ્યાં 8.8નો ભૂકંપ આવ્યો છે તે રશિયાના
કામચટકાના ગર્વનર વ્લાદિમીર સોલોડોવે આને દાયકાનો સૌથી ગંભીર ભૂકંપ ગણાવ્યો હતો. રશિયાના
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ભૂકંપ બાદ ભાગાભાગીમાં સામાન્ય ઈજા થવા સિવાય નાગરિકોમાં
કોઈ જાનહાની નથી.