લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચા દરમ્યાન વિરોધ પક્ષના નેતા
રાહુલ ગાંધીનો વધુ એકવાર આક્રમક અંદાજ જોવા મળ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એમની
સરકારને નિશાન બનાવવામાં રાહુલ એવા તો ઉશ્કેરાઇ જાય છે કે સ્પીકર ઓમ બિરલાએ તેમને ટપારવા
પડયા કે... માનનીય સદસ્ય... આ સંસદની મિલકત છે, તોડફોડ ન કરો. ચર્ચા દરમ્યાન રાહુલે આરોપ લગાવ્યો કે, વડાપ્રધાન મોદી પાસે પાકિસ્તાન સામે લડવાની ઇચ્છાશક્તિ જ નહોતી, જવાનોના હાથ બાંધી દીધા અને ડોનાલ્ડ ટ્રમ્પના કહેવાથી એકાએક યુદ્ધવિરામ કરી
લીધો. આવા આક્ષેપો સંસદની બહાર પણ થઇ ચૂક્યા છે. પ્રિયંકા ગાંધીએ પહેલગામ હુમલા પછી
ગૃહમંત્રીપદેથી અમિત શાહના રાજીનામાંની ખેવના વ્યક્ત કરી. સંસદમાં વિરોધ પક્ષોને બોલવાનો
પૂરતો અઘધિકાર છે, પરંતુ તેમાં સંયમ તૂટવો ન જોઇએ. રાહુલ પાક.
સામેનો સંગ્રામ એકાએક રોકી કેમ દેવાયો એ સવાલ કરે છે એની સામે ભાજપનો પ્રતિપ્રશ્ન છે
કે, આટલાં વર્ષો સુધી કોંગ્રેસ સરકારે શાસન કર્યું, પરંતુ શ્રેણીબદ્ધ હુમલા છતાં પાકિસ્તાન સામે આકરાં પગલાંની હિંમત કેમ નહોતી
કરી ? ઉલટાનું આતંકવાદીઓ પ્રત્યે રહેમ દૃષ્ટિ રાખવામાં આવતી હતી.
રાહુલ ગાંધીનો એજન્ડા ફિક્સ છે. બિહારમાં એનડીએને છક્કડ ખવડાવવી. તેઓ ગુજરાતમાં પણ
સક્રિય થયા છે. તાજેતરના ગુજરાતના પ્રવાસ દરમ્યાન પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસ ત્રીજા
ક્રમે રહ્યા પછી પણ 2027ની વિધાનસભામાં
વિજેતા થવાનો અભરખો તેઓ વ્યક્ત કરે છે. રાહુલ ગાંધીના આત્મવિશ્વાસ માટે તેમને અભિનંદન
આપવા જોઈએ. ગુજરાત કોંગ્રેસની સ્થિતિ જાણતા હોવા છતાં તેઓ આમ કહે છે. આણંદ આવીને તેમણે
કહ્યું, ગુજરાતથી દૂધ સત્યાગ્રહ શરૂ થશે. ગુજરાતનું
સહકાર ક્ષેત્ર અત્યંત ગંદી રાજનીતિનો ભોગ બન્યું છે, અંદર અંદર
જ વિખવાદ છે તેમાં પણ નવી વાત નથી. ભ્રષ્ટાચાર પણ છે, પરંતુ આ
એક પણ બાબતને કોંગ્રેસ પડકારી કે પહોંચી શકશે? જૂથબંધી કે અંદર
અંદરના ઝઘડાથી કોંગ્રેસ પણ હજી સુધી પર નથી, જે વાત રાહુલ ભાજપ
માટે કરે છે તે જ વાતને લીધે કોંગ્રેસને નુકસાન થયું છે. સત્યાગ્રહ કરતાં પહેલાં કોંગ્રેસે
આ સત્ય સમજવું જરૂરી છે. થોડા સમયથી કોંગ્રેસ, તેની વિદ્યાર્થી
પાંખ વગેરે સક્રિય થયા છે, પરંતુ જે ભૂમિકા વિપક્ષની હોવી જોઈએ
તેમાં કોંગ્રેસ ખરી ઊતરી નથી. ભાજપની કે અન્ય પક્ષની ક્ષતિઓ લોકો સુધી લઈ જવાને બદલે
કોંગ્રેસે પોતે પોતાને લોકો સુધી લઈ જવાની છે. રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને અગાઉની ચૂંટણીની
યાદ અપાવીને પણ ટકોર કરી છે. ટિકિટ ફાળવણી અંગે પણ વલણ સ્પષ્ટ કર્યું છે. અગાઉ પણ લગ્નના
ઘોડા અને રેસના ઘોડાના ઉદાહરણ તેમણે આપ્યા હતા. ગુજરાત કોંગ્રેસે, કાર્યકર્તાઓએ સમજવાનું એ છે કે, ઉચ્ચ સ્તરે આટલું મંથન
થાય છે, તો શા માટે પાર્ટીની આ વાતમાં જોડાઈ ન જવું? ફક્ત અન્યોનો રસ્તો ખોટો છે તેવું કહેવાથી જ નહીં, પરંતુ
અમારો રસ્તો આ હશે તેમ કહેવાથી પ્રજાનું ધ્યાન ખેંચી શકાશે.