બર્મિંગહામ, તા. 30 : વર્લ્ડ ચેમ્પિયનશિપ
ઓફ લિજેન્ડસ (નિવૃત્ત ખેલાડીઓની ટી-20 લીગ)-202પનો પ્રથમ
સેમિ ફાઇનલ મુકાબલો ભારત-પાકિસ્તાન ટીમ વચ્ચે ગુરુવારે અહીં રમવાનો હતો. એ પહેલાં ભારતીય
ખેલાડીઓએ આતંકપરસ્ત પાકિસ્તાન સામે સેમિ ફાઇનલ મેચ રમવાની સાફ ના પાડી દીધી છે. આટલું
જ નહીં, લીગની સ્પોન્સર કંપનીએ પણ એમ કહેતાં સેમિફાઈનલથી
હટવાની જાહેરાત કરી હતી કે, આતંકવાદ અને ક્રિકેટ સાથે ચાલી શકે
નહીં, દરમ્યાન, લીગના આયોજકોએ હજુ કોઈ નિર્ણય
લીધો નથી. ઉલ્લેખનીય રહેશે કે, મંગળવારે યુવરાજસિંઘની કપ્તાની
હેઠળની ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝને પાંચ વિકેટે હાર આપી સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી.
આ લીગના ગ્રુપ સ્ટેજની મેચમાં પણ ભારતે પાકિસ્તાન સામે રમવાની ના પાડી દીધી હતી. આથી
ત્યારે બંને ટીમને 1-1 પોઇન્ટ અપાયો
હતો. હવે ભારતીય ટીમની સેમિફાઇનલમાં ગુરુવારે
પાકિસ્તાન સામે ટક્કર થવાની હતી. આ મેચ અગાઉ શિખર ધવન, ઇરફાન પઠાણ, હરભજન સિંઘ,
કપ્તાન યુવરાજસિંઘ અને સુરેશ રૈના સહિતના અન્ય ભારતીય ખેલાડીઓએ પાક.
સામેની સેમિફાઇનલ મેચનો બહિષ્કાર જાહેર કર્યો હતો. આ લીગની બીજી સેમિફાઇનલ દ. આફ્રિકા
અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે. આ મેચ પણ ગુરુવારે જ રમાવાની છે. ભારતીય ટીમના બહિષ્કારના
એલાન પછી લીગના આયોજકો સેમિફાઇનલ પર હજુ સુધી
કોઇ નિર્ણય લીધો નથી. પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાક.ના
આતંકી કેમ્પો પર હુમલો કરી નેસ્તનાબૂદ કર્યા હતા. ભારતે પાકિસ્તાન સાથેના તમામ સંબંધ
કાપી નાખ્યા છે.