ગાંધીધામ, તા. 30 : આદિપુરના રહેણાક વિસ્તારમાં
ગેરકાયદે રીતે કરાયેલા વ્યાવસાયિક બાંધકામ મુદ્દે એસ.આર.સી. દ્વારા એક સાથે 61 મિલકત ધારકોની લીઝ રદ કરવામાં
આવતા સંકુલમાં હડકંપ જેવી સ્થિતિ છે આ મામલે હાલ ડી.પી.એ. દ્વારા રૂક જાઓનો આદેશ આપવામાં
આવ્યો છે દરમ્યાન આજે જે પ્લોટોની લીઝ રદ થઈ છે તે પ્લોટધારકોએ એસ.આર.સી. ખાતે રજૂઆત
કરીને આ નોટિસ પરત ખેંચવા માંગ કરી છે. આ અંગે મળતી વિગતો મુજબ એસ.આર.સી.ના આ પગલાંના કારણે
ધંધા રોજગાર ઉપર આફત મંડરાઈ છે. ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. એસ.આર.સી. દ્વારા છ
મહિનામાં લીઝ જમા કરાવવા માટેની તાકીદ કરવામાં
આવી છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.આ મામલે આજે 61 પ્લોટની લીઝ રદ થઈ છે તે પ્લોટધારકોએ
આજે એસ.આર.સી. ચેરમેન પ્રેમ લાલવાણી સમક્ષ રૂબરૂમાં રજૂઆત કરી હતી અને લીઝની નોટિસ પરત લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સમગ્ર
ગાંધીધામ આદિપુર માટે સમાન રૂપથી નિર્ણય લઈ તમામ
સામે સમાન કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત મામલે ત્રણ દિવસમાં જવાબ આપવા પીડિત પ્લોટધારકોએ માંગ કરી છે. દરમ્યાન જે પ્લોટોની
લીઝ રદ થઈ તે પૈકી ત્રણથી ચાર પ્લોટધારકે કોમર્શિયલ ગતિવિધિ બંધ કરીને લીઝ પુન: મંજૂર કરવા
માટે એસ.આર.સી.માં અરજી કરી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.