કાઠડા (તા. માંડવી), તા. 30 : માંડવી તાલુકાનાં
મેરાઉ ગામે વાડી વિસ્તારમાં આવેલા ડ્રેગન (કમલમ) ફ્રૂટના દોઢેક એકરના બગીચાને કોઈક
અજાણ્યા શખ્સો દ્વારા ગત રવિવારે વચ્ચેથી છોડને ધારદાર હથિયાર વડે કાપીને આઠેક હજાર
જેવા રોપાને નુકસાન પહોંચાડી સોથવાળી નાખ્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે વાડી માલિક
વેલજી મુરજી પીંડોરિયાએ અજાણ્યા શખ્સો સામે પોલીસમાં ફરિયાદ આપીને કાર્યવાહી કરવા માંગ
કરી છે. વાડી માલિકના જણાવ્યા અનુસાર આઠથી 10 લાખનું નુકસાન થયું છે. જે અંગે પોલીસે ઘટના સ્થળે રૂબરૂ આવી
અને તપાસ આદરી હતી અને કહ્યું હતું કે, આ અંગે વહેલી તકે તપાસ કરી કૃત્ય આચરનારા શખ્સોને પકડી લેવાશે. વધુમાં તેઓએ
જણાવ્યું હતું કે, અમારા મેરાઉ વિસ્તારમાં ચીભડ ચોરી જેવા કે
દાડમ ઉતારી જવા, કેબલ કાપીને લઈ જવા, ખરામાંથી
તૈયાર માલ ઉપડી જવો, નોજલ પંપ વગેરેની ચોરી થઈ જવી જેવા છાસવારે
બનાવ બનતા હોય છે. ક્યારેક ફરિયાદ દાખલ કરાય છે, તો ક્યારેક ટાળી
દેવાય છે, પરંતુ આવી ઘટનાઓ અંગે કોઈક ટોળકી કાર્યરત છે. જેને
સકંજામાં લેવાય તે જરૂરી છે નહીંતર કંઈક ગરીબ લોકો ભોગ બનતા રહેશે.