• શુક્રવાર, 01 ઑગસ્ટ, 2025

મેઘપર (બો.)નાં ગોદામમાંથી 46 લાખની સિગારેટ જપ્ત

ગાંધીધામ, તા. 30 : અંજાર તાલુકાનાં મેઘપર બોરીચીની સીમમાં આવેલાં એક ગોદામમાં પોલીસે છાપો મારી ચોરી કે છળકપટથી મેળવાયેલી રૂા. 46,18,700ની ભારતીય સિગારેટનો જથ્થો ઝડપી પાડયો છે. મેઘપર બોરીચીમાં માલારા મહાદેવ તરફ જતા પ્લોટ નંબર-8માં બરકત ક્રેન એન્ડ લોજિસ્ટિક નામવાળા ગોદામમાં એલ.સી.બી.એ પૂર્વ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. આ ગોદામમાં ચોરી અથવા છળકપટથી મેળવાયેલી સિગારેટનો મોટો જથ્થો પડયો હોવાની વાતનાં પગલે પોલીસ અહીં પહોંચી હતી. આ ગોદામ ગળપાદરના બાગેશ્રી ધામમાં રહેતા મનપ્રિતસિંઘ જસવિંદરસિંઘ ચૈનીએ ભાડે રાખ્યું છે. આ ગોદામમાં અમદાવાદ હીના ટ્રેડિંગના અરમાન શેખ નામના શખ્સે 20-25 દિવસ પહેલાં ભારતીય બનાવટની સિગારેટનો આ જથ્થો મોકલાવ્યો હતો. મનપ્રિતસિંઘ પાસેથી આ માલના આધાર-પુરાવા મંગાતા તે આપી શક્યો ન હતો. રૂા. 46,18,700ના 5,32,240 પેકેટ ચોરી કે છળકપટથી મેળવાયા હોવાનું જાણીને પોલીસે તે જપ્ત કર્યા હતા તેમજ અમદાવાદના અરમાન શેખને શોધવા કવાયત હાથ ધરી છે. ભારતીય બનાવટની આ સિગારેટ ક્યાં મોકલવાની હતી ? તે કોણ ખરીદવાનો હતો ? અહીંથી અન્ય રાજ્યોમાં જવાની હતી કે કેમ ? તે સહિતની વિગતો બહાર આવી નથી તેમજ આધાર-પુરાવા વગરનો આ માલ જી.એસ.ટી. ચોરીનું કૌભાંડ તો નથી ને તે સહિતના પ્રશ્નો બહાર આવ્યા હતા. 

Panchang

dd