ગાંધીધામ, તા. 30 : ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની
કિશોરીનું અપહરણ અને દુષ્કર્મના ગુનામાં આરોપીને 20 વર્ષની સખત કેદનો ધાક બેસાડતો ચુકાદો આપવામાં આવ્યો હતો. ભચાઉ
તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેનાર 13 વર્ષીય એક તરૂણીનું આરોપી ભરત હમીર કોળી નામના શખ્સે અપહરણ કર્યું
હતું. ભોગ બનનારને જુદી જુદી જગ્યાએ લઇ જઇ આ શખ્સે દુષ્કર્મ ગુજાર્યો હતો. ગત તા. 24/8/2023થી 25/8/2023 દરમ્યાન બનેલા આ બનાવ અંગે
તા. 26/8/2023ના પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
હતી. શરૂઆતમાં અપહરણના ગુના બાદ આ શખ્સે તરૂણી પર દુષ્કર્મ ગુજાર્યો હોવાનું બહાર આવતાં
અન્ય કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. પોલીસે બનાવની ફરિયાદ નોંધી આરોપીની અટક કરી
હતી, તેના વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાથી ભચાઉની પોક્સો
વિશેષ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી જે કેસ ભચાઉની કોર્ટમાં ચાલી ગયો હતો.
આ કેસમાં સરકાર તરફે 15 સાહેદો રજૂ
કરી તપાસવામાં આવ્યા હતા તેમજ 31 જેટલા દસ્તાવેજી
આધારો રજૂ કરવામાં આવ્યા હતા. આ પુરાવાઓ પૂર્ણ થયા બાદ બંને પક્ષની દલીલો ન્યાયાધીશ
અંદલિય તિવારીએ સાંભળી હતી. બાદમાં આ શખ્સ ભરત કોળીને તક્સીરવાન ઠેરવ્યો હતો અને જુદી
જુદી કલમો તળે 20 વર્ષની સખત કેદ તથા રૂા. 25,000નો દંડ ફટકારી ધાક બેસાડતો
ચુકાદો આપવામાં આવ્યો હતો તેમજ દંડની આ તમામ રકમ મળ્યેથી ભોગ બનનારને આપવા તથા જિલ્લા
કાનૂની સેવા સમિતિમાંથી રૂા. પાંચ લાખ ચૂકવી આપવા આદેશ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, કેસ દરમ્યાન આરોપી જેલમાં જ હતો. આ કેસમાં સરકાર
તરફે મદદદનીશ સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજા તથા મહેન્દ્રસિંહ આર. જાડેજા ઉપસ્થિત
રહી ધારદાર દલીલો કરી હતી.