• શુક્રવાર, 01 ઑગસ્ટ, 2025

રખડતા ઢોરની સમસ્યા વચ્ચે ગાંધીધામમાં મહાપાલિકા દ્વારા આદરાઇ ઝુંબેશ

ગાંધીધામ, તા. 29 : આ શહેર અને સંકુલમાં રખડતા આખલા અને તેમની વચ્ચે થતા યુદ્ધના કારણે લોકોને પારાવાર મુશ્કેલી થઇ રહી છે, તેવામાં મહાનગરપાલિકાએ આખલા પકડવાની ઝુંબેશ આદરી છે. ગત રાત્રિ દરમ્યાન મ.ના.પા.એ મુખ્ય માર્ગો પરથી 20 જેટલા આખલા પકડી પાડયા હતા. આ સંકુલમાં માર્ગની વચ્ચોવચ્ચ બેસી રહેતા આખલાઓને કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલી થાય છે. ચોમાસાની ઋતુમાં માખીઓનો ત્રાસ વધી જતાં તેનાથી લોકોની સાથે આ અબોલ જીવ પણ બાકાત રહેતા નથી. માખીઓ આ મૂંગા પશુઓને પરેશાન કરતી હોય છે. માર્ગ પરથી પસાર થતાં વાહનોના ધુમાડાના કારણે આ માખીઓ દૂર રહેતી હોવાથી તેટલા સમય માટે અબોલ જીવોને શાંતિ રહેતી હોય છે, પરંતુ માર્ગ અકસ્માતમાં વાહનચાલકોને જીવ ખોવાની પણ ભીતિ રહેતી હોય છે તેમજ આખલાઓ વચ્ચે યુદ્ધ સર્જાય ત્યારે આસપાસના વાહનચાલકો સહિતના લોકોના જીવ પડીકે બંધાતા હોય છે. આખલાઓના ત્રાસના કારણે અનેક વૃદ્ધો, મહિલાઓ, બાળકાએ ઘરમાંથી બહાર નીકળવાનું બંધ કરી દીધું હોવાનું પણ સપાટી ઉપર આવ્યું છે. આવામાં જિલ્લા કલેક્ટરના આદેશ અને ઇન્ચાર્જ કમિશનર મેહુલ દેસાઇનાં માર્ગદર્શન હેઠળ ગતરાતથી મહાનગરપાલિકાએ આખલા પકડવાની ઝુંબેશ હાથ ધરી છે.  જેમાં પ્રથમ તબક્કામાં ટાગોર રોડ જેવા મુખ્ય માર્ગો અને બાદમાં આંતરિક વિસ્તારોને આવરી લેવામાં આવશે. હાલમાં રામલીલા મેદાનમાં સાફસફાઇ કરી, પાણીના અવાડા તૈયાર કરી ઘાસચારાની વ્યવસ્થા સાથે આખલાઓને ત્યાં રાખવામાં આવશે. ગતરાત્રિ દરમ્યાન પાલિકા દ્વારા 20 આખલા પકડી પાડીને રામલીલા મેદાનમાં મૂકી દેવામાં આવ્યા હતા. આ કામગીરી દરમ્યાન પાલિકાના કર્મચારીઓ અને જરૂરત પડશે તો પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી આગળ વધારવામાં આવશે તેવું પાલિકાનાં સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળ્યું હતું. 

Panchang

dd