કપિલ જોશી દ્વારા : નલિયા, તા 30 : વિસ્તારની દૃષ્ટિએ રાજ્યના
સૌથી મોટા અબડાસા તાલુકાનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. તાલુકાના ખેડૂતો 30 ટકા પિયત અને 70 ટકા કપિત એટલે કે વરસાદ આધારિત
ખેતી કરે છે. છેલ્લા બે દાયકાથી વરસાદની પેટર્ન બદલાતાં ખેતીમાં વિવિધતા અને ખેતપેદાશોમાં
સારા એવા ભાવ મળવાના કારણે કેટલાક તત્ત્વો સરકારી અને ગૌચર જમીન પર મોટાપાયે દણાણ કરી
ખેડી નાખે છે. પરિણામે સીમાડામાં પશુઓ માટે ચરિયાણનો પ્રશ્ન પેદા થયો છે. આખા તાલુકામાં
અંદાજિત 70 હજાર એકરથી પણ વધુ જેટલી ગૌચર અને સરકારી જમીન પર માથાભારે
લોકો દ્વારા ખેતી કરવામાં આવે છે. તાલુકાનો કોઈ એવો વિસ્તાર નહીં હોય જ્યાં ગૌચર જમીન
ખેડાતી ન હોય, ગરડા, કોઠારા, નલિયા, પરજાઉ, ઉસ્તિયા, બિટ્ટા, જખૌ સહિતના વિસ્તારમાં
ગૌચર તેમજ સરકારી જમીન ભૂમાફિયાઓ દ્વારા દબાવીને લાખો રૂપિયાની ખેતપેદાશ મેળવી રહ્યા
છે. આમ થવાથી અમુક ગામના પશુઓ માટે ચરિયાણનો પ્રશ્ન ઊભો થયો છે. જમીન ગેરકાયદે રીતે
ખેડાઈ જતાં ચરિયાણની વ્યવસ્થા ન હોવાના કારણે પશુઓ ગામમાં જ ફરતા દેખાય છે,
જેના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં પણ રખડતા ભટકતા પશુઓની સંખ્યા વધી છે.
અબડાસા કિસાન મોરચાના પૂર્વ પ્રમુખ એવા વિંજાણના મહાવીરાસિંહ કરણાસિંહ જાડેજાએ જણાવ્યું
હતું કે, ગૌચર જમીન પર દબાણ તો મોટા પાયે છે, જેને ખાલી કરાવવાની જવાબદારી સરકારની છે, જે-તે ગામના
સરપંચની જવાબદારી પણ નિશ્ચિત કરાય અને દબાણકારો સામે લેન્ડ ગ્રાબિંગ એક્ટ હેઠળ પગલાં
ભરવામાં આવે તો જ ચરિયાણ જમીનો બચશે, તેવો સૂર જાગૃત નાગરિકો
વ્યક્ત કરી રહ્યા છે. - દબાણવાળી
જમીન ભાડે આપીને લાખોની આવક : ગૌચર અને સરકારી જમીન ખેડનારા પોતાના અનધિકૃત
ખેતરની બાજુમાં આવતી જમીન પર પણ ધીરે-ધીરે કબજો કરી જાણે પોતાની માલિકીની હોય તેમ કાંટાળી
તારની વાડ બાંધી નાખે છે. અમુક તત્ત્વોએ તો આવી જમીન વાર્ષિક ભાડાપટ્ટા પર આપી હોવાનું
જાણવા મળ્યું હતું. પિયત જમીનના વાર્ષિક એક એકરના 15000, તો કપિત જમીનના 3000 રૂપિયા વાર્ષિક ભાડાપટ્ટા પર આપી લાખો રૂપિયા કમાણી કરી રહ્યા
છે. વળી બાજુમાં માલિકીની જમીનમાંથી લાઈટ પાણી હોય ત્યાંથી પિયત પણ કરતા હોવાના કારણે
જમીનના ભાડા સારા મળતા હોય છે. શરૂઆતમાં એક એકર,
પછી 10 એકર, બાદમાં 30 એકર એમ કરતા ધીરે-ધીરે દબાણ
વધારતા જાય છે. - લેન્ડ ગ્રાબિંગનું
હથિયાર જ અસરકારક બનશે : ચરિયાણ માટે
ફાળવેલી જમીનનો નવેસરથી સર્વે કરવામાં આવે અને જે લોકોએ દબાણ કર્યું છે. તેમની સામે
લેન્ડ ગ્રાબિંગની ફરિયાદ કરવામાં આવે તેમ પશુપાલકો જણાવી રહ્યા છે. જેટલાં વર્ષ જમીન
ખેડવાણ કર્યું હોય તેનો આવકનો સરેરાશ હિસાબ લગાવી તગડો દંડ કરવામાં આવે અને જેલની સજા
પણ કરે, તો જ ગૌચર જમીન બચશે અન્યથા નામોનિશાન મટી જશે.
તાલુકાના મામલતદાર અને પ્રાંત અધિકારી દ્વારા દરેક ગ્રામ પંચાયતને નોટિસ આપવામાં આવે
અને ગેરકાદે જમીન ખેડનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરાય તેવી લોકમાંગ પણ ઊઠી છે. - ગૌચર દૂર કરવાની સત્તા મામલતદાર
અને તાલુકા વિકાસ અધિકારીને સોંપાય : ગૌચર જમીન ખાલી કરવાની અને દબાણ દૂર કરવાની
સત્તા ગ્રામ પંચાયતને છે. જે ગુજરાત પંચાયતધારા 105 મુજબ જે-તે ગ્રામ પંચાયતો કરી શકે છે, પણ સરકારી પડતર જમીન મામલતદાર અને તાલુકા વિકાસ
અધિકારીને હોય છે, ત્યારે જો કોઈ ગામમાંથી ગૌચર અને સરકારી જમીન
દબાણ દૂર કરવા કલેક્ટરને અરજી કરે, તો ત્યારે કલેક્ટર મામલદારને
ફોરવર્ડ કરેલ મામલતદાર તાલુકા પંચાયતને અને તાલુકા પંચાયત ગ્રામ પંચાયતને નોટિસ આપે
છે, ત્યારે તાલ એવો સર્જાય છે કે, ગ્રામ
પંચાયતની બોડી ગૌચર જમીન પરનું દબાણ દૂર કરવા સંપન્ન હોતી નથી. મોટાભાગે સરપંચ અને
સભ્ય માથાભારે અને બાહુબલીના બળે ચૂંટાતા હોય છે, ત્યારે તેમની
સામે કાર્યવાહી પંચાયત અને બોડી ખચકાટ અનુભવતી હોય છે અને અવનવા બહાના કાઢીને દબાણ
હટાવવાની કાર્યવાહીને ટાળે છે, તે પણ એક મોટું કારણ છે. ગૌચર
જમીન પરનું દબાણ હટાવવાની સત્તા ગ્રામ પંચાયતને બદલે સીધી જ મામલતદાર અને તાલુકા વિકાસ
અધિકારીને સોંપવામાં આવે તો જ ગૌચર અને સરકારી જમીન પશુઓ માટે ચરિયાણ માટે જમીન દબાણ
હટાવવું શક્ય બની શકે તેમ છે.