ભુજ, તા. 30 : શહેરમાં રખડતા ઢોરોના વધતા
જતા ત્રાસમાંથી લોકોને છૂટકારો આપવા છેલ્લા કેટલાક મહિનાઓથી ભુજ સુધરાઇ દ્વારા આવા
ઢોરોને પકડવા ઝુંબેશ આદરી છે અને ત્રણેક માસમાં 328 રખડતા ઢોર પકડી કચ્છની અલગ-અલગ પાંજરાપોળોમાં મોકલી આપ્યા હતા.
સમગ્ર કચ્છની અંદર રખડતા ઢોરોના ત્રાસથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે, ત્યારે જિલ્લાની અમુક નગરપાલિકા દ્વારા રખડતા
ઢોર પકડવાની કામગીરી કરાઇ રહી છે, જ્યારે અમુક હજુ પણ આ મુદ્દે
નિરસ છે. ભુજમાં ઊઠેલી લોક ફરિયાદોને પગલે સુધરાઇ દ્વારા છેલ્લા ત્રણ-ચાર માસથી સતત
રખડતા ઢોર પકડવાની ઝુંબેશ ચાલી રહી છે. અત્યાર સુધી અલગ-અલગ વિસ્તારમાંથી 328 ઢોર પકડીને કચ્છની વિવિધ પાંજરાપોળમાં
મુકાયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. આ અંગે વધુ માહિતી આપતા ભુજ સુધરાઇના કારોબારી
ચેરમેન મહિદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, રખડતા ઢોર પકડવાની ઝુંબેશ સતત ચાલી રહી છે અને હજુ પણ કાયમ રહેશે તેમ જણાવીને
ઉમેર્યું કે, હરિશચંદ્રસિંહ જાડેજાએ 50 રખડતા આખલાના નિભાવમાં સહયોગ
આપવાની જાહેરાત કરી હતી અને બાકીનો ખર્ચ કચ્છ બિદડા વિસા ઓશવાળ જૈન મહાજન પાંજરાપોળ
ભોગવવા તૈયારી દર્શાવતાં શ્રી જાડેજાએ બંનેનો આભાર વ્યક્ત કરી અન્યોને પણ આ ઉમદા પહેલમાંથી
પ્રેરણા લેવા અપીલ કરી હતી. ભુજના ઢોર માલિકોને પણ તેમના ઢોરને રખડતા ન મૂકવા નગરપાલિકા
દ્વારા અપીલ કરાઇ હતી. લોકોની સમસ્યા ઉકેલવા આ ઝુંબેશ સતત ચાલુ જ રખાશે.