લંડન, તા. 30 : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની
પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની આખરી અને નિર્ણાયક મેચ ગુરુવારથી ઓવલ મેદાન પર શરૂ થશે.
શ્રેણીમાં 1-2થી પાછળ ચાલી રહેલી ટીમ ઇન્ડિયા
માટે આ કરો યા મરો સમાન મુકાબલો છે. ચોથી ટેસ્ટમાં યાદગાર લડતથી ભારતીય ટીમનું મનોબળ
મજબૂત બન્યું છે પણ બોલરોનો દેખાવ ચિંતાજનક છે.
મુખ્ય બોલર બુમરાહ આખરી ટેસ્ટની બહાર થઇ ગયો છે. ત્યારે અન્ય બોલરોએ વધુ સારૂં
પ્રદર્શન કરવું પડશે. બીજી તરફ ઇંગ્લેન્ડે અહીં છેલ્લી પાંચ ટેસ્ટમાંથી ત્રણ ગુમાવી
છે. આથી મનોવૈજ્ઞાનિક સરસાઇ ભારત પાસે છે. આ ઉપરાંત ઇંગ્લેન્ડનો કપ્તાન બેન સ્ટોકસ
આખરી ટેસ્ટની બહાર થયો છે. જેનો ફાયદો ટીમ ઇન્ડિયાને મળી શકે છે. મેચ ગુરુવારે ભારતીય
સમય અનુસાર બપોરે 3-30થી શરૂ થશે.
વિપરિત પરિસ્થિતિમાં માંચેસ્ટર ડ્રો કરવાથી પણ ભારતીય ટીમનો આત્મવિશ્વાસ ઉંચો છે. જાડેજા
અને સુંદરની સદીથી ભારતની બેટિંગ ઉંડાઇ વધુ મજબૂત બની છે. બીજી તરફ ઇંગ્લેન્ડ ટીમ તેના
બોલરોના થાકથી ઝઝુમી રહી છે. તેના ઝડપી બોલિંગ આક્રમણમાં ગસ એટકિંસન અને જેમી ઓવર્ટનને
મોકો મળે છે. ઓવલ ટેસ્ટની જીતથી ઇંગ્લેન્ડ ટીમ વર્ચસ્વ સાથે 3-1થી શ્રેણી જીતવાનો પ્રયાસ કરશે.
આ ટીમ આગઉ કહી ચૂકી છે કે અમારા ડ્રેસિંગ રૂમમાં ડ્રો ચર્ચાતો નથી. જો કે ટીમને તેના
કપ્તાન સ્ટોકસની ભારે ખોટ પડશે. તેના સ્થાને ટીમનું સુકાન ઓલિ પોપ સંભાળશે. બુમરાહના
સ્થાને અર્શદીપ સિંઘને ટેસ્ટ પદાર્પણનો મોકો મળી શકે છે. ચોથા ટેસ્ટ વખતે તેને હાથમાં
ઇજા હતી. આથી અંશુલ કમ્બોજને તક મળી હતી. તે પાંચમી ટેસ્ટની લગભગ બહાર થશે. બુમરાહ બાદ ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવને ભારતીય
ટીમનો સૌથી સારો સ્ટ્રાઇક બોલર ગણવામાં આવે છે. જો કે ટીમ સંયોજનને લીધે તે હજુ સુધી
ઇલેવનમાં સામેલ થયો નથી. આખરી ટેસ્ટમાં તેને ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરના સ્થાને તક મળી
શકે છે. બેટિંગ કોચ સિંતાશુ કોટક કુલદીપના સમાવેશ પર સંકેત આપી ચૂકયો છે. કોટકે કહ્યંy કે બેટિંગ અને બોલિંગમાં સંતુલન રાખવું
જરૂરી છે. જો કપ્તાન અને કોચને લાગશે કે એક વધુ બોલરનો સમાવેશ કરવો ફાયદામાં રહેશે
તો આવું થશે. - પિચ રિપોર્ટ : અંતિમ ટેસ્ટ લંડનના ધ ઓવલ સ્ટેડિયમ ખાતે
રમાવાની છે. આ સ્ટેડિયમની પીચ પર ઝડપી બોલરોને સારો ઉછાળ મળશે. આગળ જતાં સ્પિનરોને
મદદ મળશે. જો કે અહીંની પિચ બેટધરોને વધુ અનુકુળ રહી છે. એક વખત અહીં સેટ થયા પછી બેટધર
મોટી ઇનિંગ્સ રમી શકે છે. આથી ઓવલમાં વધુ એક હાઇસ્કોરીંગ મુકાબલો જોવા મળી શકે છે.
અહીં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે 24 મેચ રમાયા
છે. જેમાંથી પ ઇંગ્લેન્ડના પક્ષમાં અને 2 ભારતના પક્ષમાં રહ્યા છે. 7 મેચ ડ્રો રહ્યા છે. છેલ્લે 2021માં વિરાટ કોહલીના સુકાનીપદ હેઠળ ભારતે અહીં જીત હાંસલ કરી હતી.