• શનિવાર, 27 એપ્રિલ, 2024

વિપક્ષોએ મહત્ત્વની તક ગુમાવી

નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારંભનો બહિષ્કાર કરી વિપક્ષોએ ઐતિહાસિક ક્ષણથી દૂર રહી મહત્ત્વની તક ગુમાવી છે. ઇતિહાસમાં આ પક્ષોનું નામ હંમેશાં માટે આયોજનના બહિષ્કાર કરનારાઓ તરીકે નોંધાયેલું રહેશે. બહિષ્કાર કરવા માટે તેમણે કારણ ભલે રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન નહીં કરાવ્યાનું આપ્યું હોય, પણ આ મુદ્દા પર બે અઢી વર્ષથી રાજકારણમાં ગરમાટો આવ્યો છે તેનાથી સંદેશ એ છે કે, વિરોધ સંસદ ભવનનો છે, પણ નિશાન પર તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ છે. ભવિષ્યમાં પૂછવામાં આવશે કે, વ્યક્તિ વિરોધમાં સંસદ ભવનનો બહિષ્કાર સમજદારીભરી બાબત હતી. રાષ્ટ્રીય જનતા દળ દ્વારા સંસદ ભવનની તુલના કોફિન સાથે કરવી એ તો વિવેકહીનતાની પરાકાષ્ઠા છે. સમાજવાદી પક્ષે બ્રાહ્મણવાદી પરંપરાઓને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ કરી દેખાડી આપ્યું છે કે, તેમના મગજમાં ફક્ત ચૂંટણી ઘૂમી રહી છે અને તે સંસદના મુદ્દે પણ જાતિવાદને નથી છોડી શકતો. એ સવાલ પણ જરૂર પૂછવામાં આવશે કે, શું વિપક્ષે નિર્ણય કરી લીધો છે કે તેઓ આ સંસદ ભવનમાં પગલું નહીં મૂકે ? જ્યાં સુધી નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે ત્યાં સુધી તો નહીં જ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આયોજનને વડાપ્રધાનનો રાજ્યાભિષેક લેખાવ્યો છે. તો શું 1947માં જવાહરલાલ નેહરુને સેંગોલ (રાજદંડ) આપવામાં આવ્યો હતો, એ પણ રાજ્યાભિષેક હતો ? આશ્ચર્ય તો સમાજવાદી પક્ષના નેતા સ્વામી પ્રસાદ મૌર્યની ટિપ્પણી પર પણ થાય છે. તેમણે આરોપ કર્યો છે કે, વડાપ્રધાન મોદીએ કટ્ટરપંથી બ્રાહ્મણવાદી ધર્મગુરુઓને બોલાવ્યા છે. તેમને કદાચ ખબર નહીં હોય કે તામિલનાડુના આધિનમ (પૂજારી) પછાત અને અનુસૂચિત જાતિના ધર્મગુરુ હોય છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારે સમારંભ બહિષ્કાર સંદર્ભે જણાવ્યું છે કે, આધુનિક ભારતની સંકલ્પના જવાહરલાલ નેહરુએ કરી હતી, પણ આપણે તો અધોગતિ કરી અનેક વર્ષ પાછળ જતા રહ્યા છીએ. જવાહરલાલ નેહરુએ વિજ્ઞાન આધારિત સમાજ ઘડવાનો વિચાર રજૂ કર્યો હતો. આજે દિલ્હીમાં જે થઈ રહ્યું છે તે આનાથી વિપરીત છે. શું શરદ પવારને એ યાદ નથી કે, ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતાં ત્યારે તેઓ જ પોતાનાં પુત્ર રાજીવ અને પુત્રવધૂ સોનિયાને લઈ અયોધ્યા ગયાં હતાં અને ત્યાં હોમ-હવનમાં ભાગ લીધો હતો. ભારતીય વૈદિક પરંપરા અને વૈજ્ઞાનિક આધુનિક્તા વચ્ચે ભેદ હોવાનું કોઈ કારણ નથી. આ બીજું કંઈ નહીં, વિશ્વકલ્યાણ માટેની પ્રાર્થના છે. ભારતની સેક્યુલર પરંપરા લક્ષમાં લઈને જ નવા સંસદ ભવનમાં 12 ધર્મ અને સંપ્રદાયોની મંગળ પ્રાર્થના થઈ છે તેની ખાસ નોંધ લેવી ઘટે. રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા સમારંભનો બહિષ્કાર કરવો, આ જ મતભિન્નતા વ્યક્ત કરવાનો માર્ગ છે એવી વિપક્ષોની સમજનો પનો કેટલો ટૂંકો છે એનું પ્રતિબિંબ પાડે છે. લોકતંત્રમાં ભિન્ન મતને સ્થાન છે અને વિરોધ એ તેનું મહત્ત્વનું શત્ર છે, પણ આડેધડ વીંઝાતું શત્ર ક્યાંક લોકતાંત્રિક શક્તિના હાર્દ પર જ પ્રહાર તો નથી કરી રહ્યું ને? એ પણ જોવું જોઈએ. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang