જૂનાગઢમાં થોડા સમય પહેલાં શરૂ થયેલો વિવાદ શમી ગયો છે. શિવરાત્રિનો
મેળો પણ સુખે સંપન્ન થયો, પરંતુ સૌરાષ્ટ્રમાં
સમયાંતરે આવા વિવાદ થતા રહે છે. તેના પડઘા કચ્છમાંય અનુભવાય છે. ધર્મક્ષેત્ર અને સામાજિક
અગ્રણીઓએ આ બાબતને અગ્રતા આપી, ગંભીરતા દાખવીને વિવાદો અટકે તેવા
પ્રયાસ કરવા જોઈએ. એક તરફ ભારોભાર ભૌતિક યુગમાં પણ સનાતન ધર્મનું પોત વધુને વધુ ઊઘડી
રહ્યું છે, તેવું એક મોટા વર્ગને લાગી રહ્યું છે, ત્યારે બીજી બાજુ આવા વિવાદ થાય તે પરંપરા અને સંસ્કૃતિની છબિ ઉપર અસર કરનારું
છે. વીરપુર ક્ષેત્ર અને જલારામબાપા તો વૈશ્વિક ઓળખ ધરાવે છે. બે સૈકા પહેલાં શરૂ થયેલું
વીરપુરનું અન્નક્ષેત્ર આ સમયની એક વિરલ ઘટના છે. બાપાએ શરૂ કરેલો આ અન્નયજ્ઞ આજપર્યંત
ચાલુ છે. હવે તો કોઈ દાન કે ભેટના સ્વીકાર વગર તે ચાલી રહ્યો છે. ફક્ત રઘુવંશી સમાજ
નહીં, દરેક સમાજ-જ્ઞાતિના લોકો, શ્રદ્ધાથી
વીરપુર સાથે સંકળાયેલા છે. જલારામ જયંતી જેવાં પર્વ સિવાયના દિવસોમાં પણ મોટી સંખ્યામાં
દર્શનાર્થીઓ ત્યાં પહોંચી પ્રસાદ લે છે. આ તીર્થ વિશે જો કોઈ કંઈ બોલે તો વિરોધ થવો
સહજ છે. વર્ષો પહેલાં એક ટીવી સિરીયલમાં જલારામબાપાનું નામ એક માફિયા-ડોન બોલે છે તેવાં
દૃશ્યો સામે વિરોધ થયો હતો. અત્યારે જે વિરોધ છે, તે તો એક ભગવાધારી
વ્યક્તિ સામે છે. સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના એક સાધુએ વીરપુર અન્નક્ષેત્રને
ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ અને કૃપાનું પરિણામ ગણાવ્યું તેનાથી રોષ ફેલાયો. આવેદનપત્ર
આપવાથી લઈને અનેક કાર્યક્રમો કચ્છ-ગુજરાતમાં યોજાયા.જો કે, આવું
બોલનારા સંત જ્ઞાનપ્રકાશ સ્વામીએ ક્ષમા માગી લીધી છે. બીજું એ પણ છે કે, કોઈ એક વ્યક્તિ કંઈ બોલે એટલે તે સમુદાય કે સંપ્રદાય, સંસ્થાન આખું એમાં સહમત છે તેવું પણ કહી શકાય નહીં, પરંતુ
વ્યક્તિ જ્યારે કોઈ એક વિચારધારા કે વ્યવસ્થા સાથે સંકળાય પછી તેના વિચારો અંગત રહેતા
નથી. જ્ઞાનપ્રકાશ સ્વામીનાં આ વિધાનોની ગંભીરતા છે જ. તેમણે બોલતાં પહેલાં વિચારવું
જોઈતું હતું. જો કે, હવે તેમણે ક્ષમા માગી લીધી છે. જલાબાપાના
ભક્તોમાં પણ હવે આક્રોશ નથી. અત્યારે આ પ્રકરણ શાંત પડી ગયું છે. સૌરાષ્ટ્રમાં આવું
વારંવાર થતું રહે છે, થોડા સમય પહેલાં ગિરનાર ક્ષેત્રનો વિવાદ
હતો, સતાધારની જગ્યાનું પ્રકરણ પણ ચર્ચાની એરણે હતું. ધર્મક્ષેત્રના
લોકો ઉપર, સ્થાનકો-જગ્યાઓ પર લોકોની આસ્થા હોય છે. ત્યાં વિવાદો
ન થવા જોઈએ. જે-તે સંપ્રદાય કે સંસ્થાનના વરિષ્ઠો, હરિભક્તોએ
પણ આનું પુનરાવર્તન ન થાય તે માટે પ્રયાસ કરવા જોઈએ.